<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

ઝાલાવાડમાં વિજ ચેકિંગઃ ૧૦૧ જોડાણમાં ગેરરિતીઃ ૬૫ કેસો કરાયાઃ ૪૭ લાખનો દંડ કરાયો

વઢવાણ,તા.૩૧: ધ્રાંગધ્રા, પાટડી અને રાજસીતાપુર પંથકમાં વ્‍યાપક વીજચોરીની ફરિયાદોને પગલે PGVCL તંત્ર દ્વારા વહેલી સવારથી જ વિજિલન્‍સનો મોટો કાફલો ઉતારીને મેગા ચેકિગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

સુરેન્‍દ્રનગર વિજિલન્‍સની ૪૮ જેટલી ટીમોએ સ્‍થાનિક પોલીસ અને એક્‍સ-આર્મીમેનના બંદોબસ્‍ત સાથે ધ્રાંગધ્રા શહેર તેમજ આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ત્રાટકીને દરોડા પાડ્‍યા હતા.

PGVCL સુરેન્‍દ્રનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર એન.એન. અમીનની રાહબરી હેઠળ આ ચેકિગ કામગીરી યોજાઈ હતી. જેમાં સુરેન્‍દ્રનગર વર્તુળ હેઠળના ધ્રાંગધ્રા, બજાણા, ખારાઘોડા, ઘાસપુર, મોટા ઉભડા, બાવળી (બાવળી ફીડર), નારીયાણા, રાવલીયાવદર, વાવડી અને જેસડા વિસ્‍તારને આવરી લેવામાં આવ્‍યા હતા.

ચેકિગ દરમિયાન ૨૦ પોલીસ કર્મચારીઓનું સ્‍પેશિયલ પ્રોટેક્‍શન લેવાયું હતું તેમજ સમગ્ર કામગીરી માટે ૫ વીડિયોગ્રાફરો પણ સાથે રાખવામાં આવ્‍યા હતા. દરોડા દરમિયાન વિજિલન્‍સ ટીમો દ્વારા ઘરવપરાશના ૬૯૯ અને વાણિજ્‍યિક કોમર્શિયલ ૩૦ મળીને એકંદર ૭૨૯ વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી.

આ ચકાસણી દરમિયાન ઘરવપરાશના ૯૮ અને વાણિજ્‍યિક ૩ મળી કુલ ૧૦૧ કનેક્‍શનમાં ગેરરીતિ માલૂમ પડી હતી. જ્‍યારે કોઈ પણ પ્રકારના અધિકૃત વીજ જોડાણ વગર ડાયરેક્‍ટ વીજચોરી કરતા ૬૫ કેસો પકડાયા હતા. આમ, કાયદેસર અને ગેરકાયદે મળીને કુલ ૧૬૬ વીજ કનેક્‍શનોમાંથી ૪૬.૮૦ લાખનો દંડ ફટકારવામાં આવ્‍યો છે

 

(10:09 AM IST)