તા. ૧ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
સોૈરાષ્ટ્ર-કચ્છમાં જામ્યો ચૂંટણી જંગઃ ભાજપ, કોંગ્રેસ, આપ મેદાનમાં
કોર્પોરેશન, નગરપાલિકા, જીલ્લા, તાલુકા પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટઃ જાહેરસભા, ગૃપ મિટીંગો, સંમેલનોનો ધમધમાટ

રાજકોટ તા.૧૬: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં હવે સ્થાનિક સ્વરાજયનો ચૂંટણી જંગ બરાબરનો જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ, આપના ઉમેદવારો વચ્ચે મુખ્ય જંગ જામ્યો છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ મહાનગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર હવે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે. કોર્પોરેશનની કુલ ૫૨ બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષોએ પોતપોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. સત્તાધારી પક્ષ ભાજપે તમામ ૫૨ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે, જ્યારે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ૫૦ ઉમેદવારો અને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ૩૧ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે. અન્ય અપક્ષો સહિત હવે કુલ ૧૫૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે.
વોર્ડવાર ઉમેદવારોની સંખ્યા પર નજર કરીએ તો, વોર્ડ નંબર ૧ (ચિત્રા, ફુલસર, નારી), વોર્ડ નંબર ૨ (કુંભારવાડા), વોર્ડ નંબર ૩ (વડવા-બ) અને વોર્ડ નંબર ૯ (બોરતળાવ) માં સૌથી વધુ ૧૪-૧૪ ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. જ્યારે વોર્ડ નંબર ૪ (કરચલીયા પરા) માં ૧૨ અને વોર્ડ નંબર ૫ (ઉત્તર કૃષ્ણનગર) માં ૧૦ ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે.
શહેરના અન્ય વિસ્તારોમાં, વોર્ડ નંબર ૬ (પીરછલ્લા) અને વોર્ડ નંબર ૭ (તખ્તેશ્વર) માં ૯-૯ ઉમેદવારો છે. વોર્ડ નંબર ૮ (વડવા-અ) માં ૧૧, વોર્ડ નંબર ૧૦ (કાળિયાબીડ, સિદસર, અધેવાડા) માં ૧૨ અને વોર્ડ નંબર ૧૧ (દક્ષિણ સરદારનગર, અધેવાડા) માં ૧૩ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત, વોર્ડ નંબર ૧૨ (ઉત્તર સરદારનગર, તરસમીયા) અને વોર્ડ નંબર ૧૩ (ઘોઘાસર્કલ, અકવાડા) માં ૯-૯ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. તમામ બેઠકો પર ફોર્મ ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આ ૧૫૦ ઉમેદવારો વચ્ચે મનપાની સત્તા મેળવવા માટે સીધો સંઘર્ષ થશે.
૪ બેઠકો બિનહરીફ
ભાવનગર જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતોની ૨૧૦ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ૨૧૦ બેઠકો પૈકી સિહોર, મહુવા, ભાવનગર ગ્રામ્ય અને જેસરની એક-એક મળી કુલ ૪ બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. જેસરની બેઠક બિનહરીફ થતા હવે બાકી રહેલી ૨૦૬ બેઠકો પર આગામી ૨૬મી તારીખે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પક્ષવાર સ્થિતિ પર નજર કરીએ તો, ભારતીય જનતા પાર્ટી તમામ ૨૦૬ બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે કોંગ્રેસ ૨૦૩ બેઠકો પર અને આમ આદમી પાર્ટી ૧૬૬ બેઠકો પર મેદાનમાં છે. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના ૧૧, સામ્યવાદી પક્ષના ૧ અને ૫૨ અપક્ષ ઉમેદવારો સહિત કુલ ૬૪૩ ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી જંગ જામશે.
ભાવનગર જિલ્લા પંચાયતની ૪૦ બેઠકો માટે ૧૩૬ ઉમેદવારો
ભાવનગર જિલ્લા પંચાયતની ૪૦ બેઠકો માટે પણ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે, જ્યાં કુલ ૧૩૬ ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે. જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષો તમામ ૪૦ બેઠકો પર લડશે, જ્યારે આમ આદમી પાર્ટી ૩૯ બેઠકો પર ચૂંટણી લડશે. અહીં ૧૫ અપક્ષો અને અન્ય ૨ પક્ષોના ઉમેદવારો મેદાનમાં હોવાથી ભાજપ, કોંગ્રેસ અને 'આપ' વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ થતાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે રાજકીય પક્ષો જંગ જીતવા માટે પ્રચાર પ્રસાર તેજ બનાવશે. જિલ્લામાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, છ તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાની કુલ ૨૨૧ બેઠકો પર ૭૬૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.
જામનગર મહાનગરપાલિકાના ૧૬ વોર્ડની ૬૪ બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી. પરંતુ વોર્ડ નંબર ૧૪માં એક બેઠક પર ભાજપના રીટાબેન જોટંગીયા બિનહરીફ વિજેતા જાહેર થતાં હવે ૬૩ બેઠકો માટે મતદાન થશે. આ ૬૩ બેઠકો પર કુલ ૨૬૦ ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે.
સિક્કા નગરપાલિકાની ૨૮ બેઠક માટે ૮૦ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. એકપણ ઉમેદવારે ફોર્મ પાછું ન ખેંચતા તમામ ૮૦ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. નગરપાલિકાની તમામ ૨૮ બેઠકો પર ચૂંટણી યોજાશે.
જામનગર જિલ્લાની છ તાલુકા પંચાયતની કુલ ૧૧૨ બેઠકો પૈકી ૫ બેઠકો બિનહરીફ થઈ છે. હવે બાકીની ૧૦૭ બેઠકો માટે ૩૪૪ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. તાલુકા પંચાયતની ચૂંટણી પણ રસાકસીભરી બનશે.
જામનગર જિલ્લા પંચાયતની કુલ ૨૪ બેઠકો પૈકી જોડિયા તાલુકાના પીઠડ ગામની એક બેઠક પર ભાજપના મયુરીબેન મૌલિકભાઈ ગોધાણી બિનહરીફ વિજેતા થયા છે. હવે બાકીની ૨૩ બેઠકો માટે ૭૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.
આમ જિલ્લામાં મહાનગરપાલિકાની ૧, તાલુકા પંચાયતની ૫ અને જિલ્લા પંચાયતની ૧ મળી કુલ ૭ બેઠકો બિનહરીફ ભાજપના ખાતામાં ગઈ છે. ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને ઉતરશે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
