<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

ભાવનગરના કુંભારવાડામાં મહિલા સહિત વૃદ્ધ પર છરી વડે પ્રાણઘાતક હૂમલો

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૨:: શહેરના કુંભારવાડાના મારુતિનગર ખાતે ગૌરાંગ શ્રીમાળી ઉર્ફે ‘‘હગો'' નામનો શખ્‍સ દારૂના નશામાં ધૂત થઈને જાહેરમાં ગાળો બોલી રહ્યો હતો. આ બાબતે સ્‍થાનિક રહીશો અને મહિલાઓએ તેને જાહેરમાં આવી અશ્‍લીલ ભાષા ન બોલવા માટે વારંવાર ટપારીને ના પાડી હતી. સ્‍થાનિકોની આ ના પાડવાથી ઉશ્‍કેરાઈ ગયેલા આ શખ્‍સે પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી વડે સ્‍થાનિકો પર તૂટી પડ્‍યો હતો.

આ લોહિયાળ હુમલામાં બે મહિલાઓ અને એક વળદ્ધ પુરુષને શરીરના ભાગો પર છરી વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. વધુ વિગતો મુજબ, અગાઉ પણ આ શખ્‍સ શેરીમાં ગાળો ભાંડતો હોવાથી ત્રસ્‍ત થયેલી વિસ્‍તારની મહિલાઓએ તેને યોગ્‍ય પાઠ ભણાવતા મેથીપાક ચખાડ્‍યો હતો. એ જ જૂની બાબતની મનદુઃખ અને દાજ રાખીને આ ઈસમ આજે ફરી છરી જેવા જાનલેવા હથિયાર સાથે ધસી આવ્‍યો હતો અને અચાનક હુમલો કરી દીધો હતો.

ઘટના બનતા જ શેરીમાં ભારે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી. બનાવની જાણ તાત્‍કાલિક પોલીસને કરવામાં આવતા ‘‘૧૧૨'' ની પોલીસ ટીમ તુરંત જ ઘટનાસ્‍થળે દોડી આવી હતી. બીજી તરફ ઈજાગ્રસ્‍તોને તાત્‍કાલિક ધોરણે ‘‘૧૦૮'' એમ્‍બ્‍યુલન્‍સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્‍યા છે, જેમાં આરોપી ઈસમ હાથમાં શષા સાથે વારંવાર ધસી આવીને લોકો પર હુમલો કરતો જોઈ શકાય છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અસામાજિક તત્‍વ ગૌરાંગ ઉર્ફે હગા સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા તથા વિસ્‍તારમાં શાંતિ જાળવી રાખવા કાયદેસરની તજવીજ હાથ ધરી છે. અસામાજિક તત્‍વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્‍થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે.

(10:45 AM IST)