તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Monday, 2nd November 2026
મોરબી પાસે ટ્રકના નાણાની લેતીદેતી મામલે વૃધ્ધ ખોડાભાઇની હત્યા : ૭ શખ્સો સામે ફરીયાદ
મામાના દિકરાએ ભાગીદારીમાં લીધેલા ટ્રકના નાણાની લેતીદેતી પ્રશ્ને સમાધાન મામલે કાર આંતરી ઢીમઢાળી દીધુ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. રઃ મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટિયા પાસે ગઈકાલે સાંજના સમયે થયેલ હત્યાના બનાવમાં સાત આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ પાછળ ભાગમાં લીધેલા ટ્રકના નાણાંની લેતી-દેતી હોવાનું સામે આવ્યું છે. જેમાં સમાધાન માટે ભેગા થયા બાદ ઉગ્ર બોલાચાલી થતા ઘાતક હથિયારોથી ખૂની હુમલો થતા બનાવ અંગે પોલીસે ગુન્હો દાખક કરી તપાસ શરૂ કરી છે.
મોરબીના ટીંબડી પાટિયા પાસે થયેલી હત્યાની ઘટના અંગે ફરિયાદી જીગ્નેશભાઈ ખોડાભાઈ મુલાડિયા રહે.જુના ટીંબડી ગામ નામના યુવકે મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ભાવેશભાઈ પરસોત્તમભાઈ બારૈયા,હિતેશભાઈ ઘનશ્યામભાઈ ઝંઝવાડિયા, સુરેશભાઈ, વિનોદભાઈ પરસોત્તમભાઈ બારૈયા, ભરતભાઈ પરસોત્તમભાઈ બારૈયા, દશરથભાઈ પરસોત્તમભાઈ બારૈયા અને હીરેન ઘનશ્યામભાઈ ઝંઝવાડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, તેમના મામાના દીકરાને આરોપીઓ સાથે અગાઉ ટ્રક ભાગીદારીમાં છૂટા થવા બાબતે નાણાકીય મનદુઃખ ચાલતું હતું. આ બાબતે સમાધાન કરવાના બહાને સ્વિફ્ટ અને સ્કોર્પિયો કારમાં આવેલા સાત જેટલા શખ્સોએ ફરિયાદીની કારને આડે આવી રસ્તો રોકી હુમલો કર્યો હતો.
વધુમાં ફરિયાદી જીગ્નેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીઓ રસ્તામાં ધોકા તથા ધારીયાથી હુમલો કર્યો હતો. આ ઘટનાની જાણ થયા જીજ્ઞેશભાઈના પિતા ખોડાભાઈ બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને તેમને છોડાવવા વચ્ચે પડેલા ખોડાભાઈ જલાભાઈ પર આરોપીઓએ કપાળના ભાગે ધારીયાનો ઘા ઝીંકી દેતા ગંભીર ઈજાઓ થવાથી ખોડાભાઈનું મોત નીપજ્યું હતું, તેમજ કારમાં સાથે રહેલા રવીભાઈને પણ નાકના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી.
હત્યાના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
