<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા આઠ બિનવારસુ લાશોની અંતિમક્રિયા કરાઇ

અત્યાર સુધીમાં 842 બિનવારસુ લાશોની અંતિમક્રિયા કરવામાં આવી છે. દરેકના અસ્થિઓ માટલામાં ભરી રાખવામાં આવે છે અને શાસ્ત્રોક્ત વિધિ સાથે અસ્થિઓનું દરિયા કિનારે વિસર્જન કરવામાં આવે છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ : માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આઠ જેટલી બિનવારસ લાશની અંતિમક્રિયા કરવામાં આવી હતી. આઠ બિનવારસ લાશ ઓળખવિધિ માટે રાખ્યા બાદ તેઓનું કોઈ સગું-સાવકું ન મળતા પોલીસ રિપોર્ટ અને મૃત્યુના દાખલા સાથે માનવજ્યોત સંસ્થા ભુજને સોંપવામાં આવેલ.

લાકડીયાનો અજાણ્યો પુરૂષ ઉ.વ. 26, મમુઆરા સીમ બાળકનો મૃતદેહ, લેર ગામ મજુર ઉ.વ. 29, ગાંધીધામ અજાણ્યો પુરૂષ ઉ.વ. 25, ગાગોદર અજાણ્યો પુરૂષ ઉ.વ. 55, ભુજ અજાણ્યો પુરૂષ ઉ.વ. 50, રતનાલ માર્ગે અજાણ્યો પુરૂષ ઉ.વ. 45 તથા માધાપર અજાણ્યો પુરૂષ ઉ.વ. 42ની લાસોની શાસ્ત્રોક્તવિધિથી અંતિમક્રિયા માનવજ્યોતના શ્રી પ્રબોધ મુનવર, રસીક જોગી, વિક્રમ રાઠી, જયેશ પરમારે કરી હતી.

માનવતાના આ કાર્યમાં રોટરી ફલેમિંગો ચેરીટેબલ સોસાયટી, ભુજ નગરપાલિકા સ્વર્ગ પ્રયાણધામ ગેસ આધારીત ખારી નદી સ્મશાન ગૃહે સહકાર આપ્યો હતો. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અત્યાર સુધીમાં 842 બિનવારસ લાશ અંતિમક્રિયા કરવામાં આવી છે. દરેકનાં મૃત્યુનાં પ્રમાણપત્રો તથા પોલીસ રિપોર્ટ સાચવી રાખવામાં આવ્યા છે. અસ્થિઓ માટલામાં ભરી રાખવામાં આવે છે. દર વર્ષે શાસ્ત્રોક્ત વિધિ સાથે અસ્થિઓ ધ્રબુડી પાસે દરિયા કિનારે વિસર્જન કરવામાં આવે છે.

(9:30 AM IST)