તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
કચ્છમાં બેવડી ઋતુની અસર દાંત ઉપર: ઠંડા-ગરમના કારણે દાંતની ઝણઝણાટીના કેસ વધ્યા : દંતચિકિત્સકો પાસેથી જાણો દાંત પેઢામાં ઝણઝણાટી થાય તો શું કરવું ?
બદલાતી ઋતુમાં દાંતની તકલીફો માટે માત્ર ઋતુગત ઉપાયો કરવા કરતાં રોજિંદી સ્વચ્છતા અને નિયમિત દંતસંભાળ વધુ મહત્ત્વપૂર્ણ : નરમ બ્રશનો ઉપયોગ કરીને દિવસમાં બે વાર, સવારે અને રાત્રે સૂતા પહેલાં બ્રશ કરવું જોઈએ

( વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૪ : કચ્છમાં બદલાતી મોસમ અને ડબલ ઋતુની અસર હવે દાંત અને પેઢાં પર પણ જોવા મળી રહી છે. ઠંડું કે ગરમ ખાવા-પીવાથી દાંતમાં ઝણઝણાટી થવી, સંવેદનશીલતા વધવી અને ક્યારેક દુખાવાની ફરિયાદો સામે આવી રહી છે. અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલના દંતચિકિત્સકો ડૉ. નિયંતા ભાદરકા અને ડૉ. નિશા મોરડીયાના જણાવ્યા મુજબ, સામાન્ય દંતચિકિત્સા માટે આવતા અનેક દર્દીઓ દાંતમાં ઝણઝણાટીની ફરિયાદ કરે છે. આ સમસ્યાને સામાન્ય ગણીને અવગણવાને બદલે સમયસર યોગ્ય સારવાર અને નિયમિત સંભાળ લેવી જરૂરી છે.
દંતચિકિત્સકોના જણાવ્યા અનુસાર, દાંતમાં સંવેદનશીલતા થવા પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. દાંતના બાહ્ય પડ તરીકે ઓળખાતા ઈનેમલનું ઘસાઈ જવું એ મુખ્ય કારણોમાંનું એક છે. ખૂબ જોરથી બ્રશ કરવાથી અથવા વધુ પડતા એસિડિક ખોરાક અને પીણાંના સેવનથી ઈનેમલને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત, દાંતની નિયમિત સફાઈ ન થવાથી પ્લાક જમા થાય છે અને પેઢાના રોગને કારણે પેઢાં સંકોચાઈ શકે છે. પરિણામે દાંતના મૂળનો સંવેદનશીલ ભાગ ખુલ્લો પડતાં ઠંડા-ગરમ પદાર્થોનો સંપર્ક થતાં ઝણઝણાટી અનુભવાય છે.
તબીબોએ સ્પષ્ટ કર્યું છે કે બદલાતી ઋતુમાં દાંતની તકલીફો માટે માત્ર ઋતુગત ઉપાયો કરવા કરતાં રોજિંદી સ્વચ્છતા અને નિયમિત દંતસંભાળ વધુ મહત્ત્વપૂર્ણ છે. દાંતની સંભાળ માટે નરમ બ્રશનો ઉપયોગ કરીને દિવસમાં બે વાર, સવારે અને રાત્રે સૂતા પહેલાં બ્રશ કરવું જોઈએ. વધુ પડતા ઠંડા, ગરમ, ખાટા અને મીઠા પદાર્થોનું સેવન ટાળવું તેમજ દાંતની સ્થિતિની તપાસ માટે દર છ મહિને એક વાર દંતચિકિત્સકનો સંપર્ક કરવો હિતાવહ છે. સંવેદનશીલતા ઘટાડતી ટૂથપેસ્ટનો ઉપયોગ પણ દંતચિકિત્સકની સલાહ મુજબ જ કરવો જોઈએ. જો દાંતમાં થતી ઝણઝણાટી લાંબા સમય સુધી રહે, વારંવાર થાય અથવા તેની સાથે દુખાવો અનુભવાય, તો તેને અવગણવાને બદલે નિષ્ણાત દંતચિકિત્સકનો સંપર્ક કરવો જોઈએ. સમયસર તપાસ અને યોગ્ય સારવારથી દાંત તથા પેઢાંની તંદુરસ્તી જાળવી શકાય છે. આમ, કચ્છમાં બદલાતી મોસમ દરમિયાન દાંતની સમસ્યાઓથી બચવા માટે ઘરગથ્થુ ઉપાયો કરતાં નિયમિત સંભાળ, યોગ્ય બ્રશિંગ અને સમયસર દંતતપાસને પ્રાથમિકતા આપવી જરૂરી છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
