તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
રાપરમાં ટ્રાફિક નિયમભંગ કરનારાઓ સામે પૂર્વ કચ્છ પોલીસની તવાઈ : ’સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સઘન ચેકિંગ : દસ્તાવેજોથી લઈ ઓવરલોડિંગ અને નો-પાર્કિંગ સુધીની તપાસ
માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને સુરક્ષિત માર્ગ વ્યવસ્થા જાળવવા માટે આવી ટ્રાફિક એન્ફોર્સમેન્ટ કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રખાશે : પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા ટ્રાફિક શાખા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૬ : માર્ગ અકસ્માતો અટકાવવા અને વાહનચાલકોમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ કેળવવાના હેતુથી પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. ડ્રાઇવ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ પ્રકારના વાહનોનું સઘન ચેકિંગ કરી જરૂરી દસ્તાવેજો, સલામતીના સાધનો, ઓવરલોડિંગ, વાહનમાં નિયમવિરુદ્ધ ફેરફારો સહિતના ટ્રાફિક નિયમોની ચકાસણી કરવામાં આવી હતી. નો-પાર્કિંગ વિસ્તારમાં તેમજ માર્ગ પર જોખમી રીતે વાહન પાર્ક કરનારા અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત વાહનચાલકોને હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા, ઓવરલોડિંગ ટાળવા તથા વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા ટ્રાફિક શાખાએ સ્પષ્ટ કર્યું છે કે માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને સુરક્ષિત માર્ગ વ્યવસ્થા જાળવવા માટે આવી ટ્રાફિક એન્ફોર્સમેન્ટ કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.
‘ટ્રાફિક નિયમોનું પાલન કરો, જીવન સુરક્ષિત રાખો.’ (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
