<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

દિવાળીના તહેવારોમાં સુરક્ષા જાળવવા પૂર્વ કચ્છ પોલીસ સક્રિય: રાપરમાં વેપારીઓ સાથે યોજી બેઠક

જ્વેલર્સ, આંગડિયા પેઢીના સંચાલકો અને બેંક અધિકારીઓને CCTV કેમેરા, શંકાસ્પદ હિલચાલ પર નજર અને તાત્કાલિક પોલીસ જાણ કરવા સૂચના; મુખ્ય પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત અને ફૂટ પેટ્રોલિંગ વધારાશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮ : આગામી દિવાળીના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી રાપર પોલીસ દ્વારા વેપારીઓ અને નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચના અનુસાર રાપર પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી આ બેઠકમાં પોલીસ અધિકારીઓએ સુરક્ષા અને તકેદારી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. રાપર પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા, પીએસઆઈ પી.એલ. ફણેજા અને એચ.વી. કાતરીયાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં જ્વેલર્સ, આંગડિયા પેઢીના સંચાલકો અને બેંક અધિકારીઓને તહેવારો દરમિયાન વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી. બેઠકમાં મુકેશસિંહ રાઠોડ, બાબુભાઈ કારોત્રા, મનહર ચૌધરી, તેજાભાઈ રબારી, કાનજીભાઈ આહિર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પોલીસ દ્વારા વેપારીઓને પોતાની દુકાનો, જ્વેલરી શોરૂમ અને સંસ્થાઓમાં CCTV કેમેરા કાર્યરત રાખવા સૂચના આપવામાં આવી હતી. કોઈ શંકાસ્પદ ગ્રાહક જણાય અથવા જ્વેલરી અને રોકડ રકમની હેરફેર દરમિયાન કોઈ વ્યક્તિ રેકી કરતી હોવાનું ધ્યાનમાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવાયું હતું. તહેવારો દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા મુખ્ય પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ઉપરાંત, ટ્રાફિક વ્યવસ્થાના નિયમન અને શાંતિ જળવાઈ રહે તે માટે સવાર-સાંજ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે.

પોલીસે વેપારીઓ અને નાગરિકોને સતર્ક રહેવા તથા કોઈ અનિચ્છનીય બનાવ બને કે શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો વિલંબ કર્યા વિના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરી હતી. તહેવારો દરમિયાન પોલીસ અને નાગરિકો વચ્ચેના સંકલનથી સુરક્ષિત વાતાવરણ જળવાઈ રહે તે બેઠકનો મુખ્ય હેતુ રહ્યો હતો. (તસવીર: મહેશ રાજગોર, રાપર)

(9:23 AM IST)