તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
ભૂસ્તરિય હલચલથી ગીર સોમનાથ પંથકમાં ફફડાટ : તાલાલા પંથકમાં ૯ કલાકમાં ભૂકંપના ૬ આંચકાથી ધરા ધ્રુજી
વહેલી સવારે ૩.૪ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ કમલેશ્વર ડેમ પાસે નોંધાયું : ૪૨ ડિગ્રી તાપમાન વચ્ચે સતત આફ્ટરશોકને પગલે લોકોમાં ભયનો માહોલ : નવી ફોલ્ટ લાઇન સક્રિય થયાની આશંકા

તાલાલા : ગીર પંથકમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે હવે કુદરતી આફતના એંધાણ વર્તાતા લોકોમાં ચિંતાના વાદળો છવાયા છે. આજે વહેલી સવારથી બપોર સુધીના ટૂંકા ગાળામાં તાલાલા અને ગીરના જંગલ વિસ્તારમાં એક પછી એક ભૂકંપના ૬ આંચકા અનુભવાતા સ્થાનિકો ભયભીત બન્યા છે. ગીર સોમનાથના જંગલ વિસ્તારના પેટાળમાં થયેલી આ તીવ્ર હલચલને કારણે ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટર પણ સતર્ક થયું છે. સવારના ૪ વાગ્યાથી શરૂ થયેલો આંચકાઓનો દોર બપોરે ૧ વાગ્યા સુધી જારી રહ્યો હતો.
૩.૪ની તીવ્રતાનો આંચકો અને કમલેશ્વર ડેમ એપીસેન્ટર:
ધરતી ધણધણવાની શરૂઆત વહેલી સવારે ૪:૧૩ કલાકે થઈ હતી, જ્યારે ૩.૪ની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાયો હતો. મીઠી નિંદ્રામાં પોઢેલા લોકો આ ભૂકંપના કારણે સફાળા જાગી ગયા હતા. આ મુખ્ય આંચકાનું કેન્દ્રબિંદુ તાલાલાથી ૧૫ કિલોમીટર દૂર ગીરના જંગલમાં આવેલા કમલેશ્વર ડેમ પાસે જમીનમાં ૧૦ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. આ આંચકો એટલો પ્રબળ હતો કે લોકો જીવ બચાવવા ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.
સતત આફ્ટરશોકથી લોકોમાં ગભરાટ:
મુખ્ય આંચકા બાદ ભૂકંપના આફ્ટરશોકનો સિલસિલો લાંબો ચાલ્યો હતો. સવારના ગાળામાં ૫:૧૫ થી ૫:૨૫ દરમિયાન ૧.૫ થી ૨.૨ની તીવ્રતાના ત્રણ આંચકાઓથી જમીન સતત ધ્રુજતી રહી હતી. ત્યારબાદ બપોરે ૧૨:૪૩ કલાકે ૧.૭ અને ૧૨:૪૮ કલાકે ૧.૨ની તીવ્રતાના વધુ બે આંચકા અનુભવાયા હતા. આ નવ કલાકના ગાળામાં છ વાર ધરતી કંપતા ગીરના ગામડાઓમાં ભયનો માહોલ છવાયો છે.
ભીષણ ગરમી અને ફોલ્ટ લાઇનની આશંકા:
હાલમાં ગીર પંથકમાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આ પ્રચંડ ગરમી વચ્ચે જમીનના પેટાળમાં થતી આ હલચલ કોઈ નવી ફોલ્ટ લાઇન સક્રિય થવાનો સંકેત તો નથી ને, તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે આ ભૂકંપના કારણે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. ગાંધીનગર ડેટા સેન્ટરના મતે આ આંચકાઓની સત્તાવાર પુષ્ટિ થઈ છે, પરંતુ વધુ વિગતો માટે તપાસ જારી છે. હાલમાં ફફડાટના માર્યા અનેક લોકોએ ઘરની બહાર રહેવાનું જ પસંદ કર્યું છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
