તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 24th May 2026
કચ્છના ભચાઉ પંથકમાં ભૂકંપનો આંચકો: રિક્ટર સ્કેલ પર 3 ની તીવ્રતા નોંધાઈ, લોકોમાં ગભરાટ, સદનસીબે જાનહાનિ નહીં, છેલ્લા એક મહિનામાં કચ્છમાં ચોથી વખત ધરા ધ્રૂજી
ભચાઉથી 12 કિમી ઉત્તર-ઉત્તરપશ્ચિમે બપોરે 2:47 વાગ્યે અનુભવાયો આંચકો. ગાંધીનગરની સિસ્મોલોજી કચેરી દ્વારા પુષ્ટિ કરાઈ છે કે ભચાઉ, રાપર, ભુજ સુધી હળવા ધ્રુજારી અનુભવાયા અને લોકો ઘરની બહાર દોડી આવ્યા

ભુજ : કચ્છ જિલ્લાના ભચાઉ પંથકમાં આજે બપોરે 2:47 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0ની નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 12 કિમી ઉત્તર-ઉત્તરપશ્ચિમે 15 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું.
આ ભૂકંપના હળવા આંચકા ભચાઉ ઉપરાંત રાપર, ભુજ, અંજાર અને ગાંધીધામ સુધી અનુભવાયા હતા. બપોરના સમયે અચાનક ઘર અને દુકાનોમાં વાસણો ખખડવાનો અવાજ આવતા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે સદનસીબે આ ભૂકંપના કારણે કોઈ જાનમાલનું નુકસાન થયાના સમાચાર નથી.
નોંધનીય છે કે કચ્છ જિલ્લામાં છેલ્લા એક મહિનામાં આ ચોથી વખત ભૂકંપનો આંચકો નોંધાયો છે. આ પહેલા 3 મેના રોજ દુધઈ પાસે 2.9, 11 મેના રોજ ભચાઉ પાસે 3.2 અને 17 મેના રોજ ખાવડા પાસે 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. વારંવાર આવતા હળવા આંચકાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે "3.0ની તીવ્રતા ઓછી ગણાય છે. હાલ કોઈ નુકસાનના સમાચાર નથી. છતાં તમામ તાલુકા મથકોએથી માહિતી મંગાવાઈ છે. લોકોએ ગભરાવાની જરૂર નથી પરંતુ સતર્ક રહેવું જરૂરી છે." ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને પણ એલર્ટ રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લો ભૂકંપની દૃષ્ટિએ અતિ સંવેદનશીલ ઝોન-5માં આવે છે. વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપ બાદ અહીં નાના-મોટા આંચકા આવતા રહે છે. નિષ્ણાતોના મતે આ હળવા આંચકા પ્લેટોની મૂવમેન્ટના કારણે સામાન્ય છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
