<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વહેલી સવારે ઠંડકની અસર

જો કે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ આખો દિ' અસહ્ય બફારો

રાજકોટ તા. ર૮ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધીમે - ધીમે શિયાળાની અસર થતી હોય તેવુ વાતાવરણ છવાઇ રહ્યુ છે. આજે  સવારે ઠંડકની સામાન્‍ય અસર અનુભવાઇ હતી. જો કે સવારે સૂર્યનારાયણના દર્શન થતા જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. અને આખો દિવસ અસહ્ય ઉકળાટનો અનુભવ થાય છે.

ગુજરાતમાં હાલ હવામાનનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. એક તરફ ગરમીનો પારો ઉંચકાયો છે તો બીજી તરફ ઠંડીનો ચમકારો અને હવે માવઠાનું સંકટ પણ તોળાઈ રહ્યું છે.

રાજકોટમાં ગઈકાલે મહત્તમ તાપમાન ૩૯.૩ ડિગ્રી નોંધાયું હતું, જે આ સિઝનનું સૌથી આકરું તાપમાન માનવામાં આવે છે. જ્‍યારે કચ્‍છના નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૮.૬ ડિગ્રી નોંધાયું હતું, જ્‍યાં વહેલી સવારે ઠંડીનો અનુભવ થયો હતો. આમ એક જ રાજ્‍યમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ હવે માવઠાનું સંકટ પણ આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રમાં આવતીકાલથી બે દિવસ એટલે કે ૨૯ અને ૩૦ ઓક્‍ટોબરે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદી ઝાપટાં પડવાની શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્‍યા મુજબ આગામી ૪૮ કલાક બાદ મહત્તમ તાપમાનમાં ૩ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના છે, જેના કારણે ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુમત તાપમાન ર૧.૪ ડીગ્રી, મહત્તમ ૩૬.ર ડીગ્રી, ભેજ પ૧ ટકા, અને પવનની ઝડપ ૪.૧ કિ. મી. રહી હતી.

(11:10 AM IST)