<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

ધ્રોલની નવનિર્મિત સબ ડિસ્‍ટ્રિક્‍ટ હોસ્‍પિટલનું ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે ઈ-લોકાર્પણ

ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને ઘરઆંગણે મળશે અદ્યતન આરોગ્‍ય સેવાઓઃ ૭૫ બેડ અને ૧૦ આઈસીયુ (ICU) બેડની સુવિધા સાથે જામનગર જિલ્લાની તાલુકા સ્‍તરે આટલી મોટી પ્રથમ અદ્યતન હોસ્‍પિટલ : સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અત્‍યાધુનિક તબીબી સાધનો અને સુવિધાઓ ઉપલબ્‍ધ : નેશનલ હાઈવે નજીક હોસ્‍પિટલ કાર્યરત થતાં અકસ્‍માત અને ઇમરજન્‍સી કેસમાં દર્દીઓને મળશે ત્‍વરિત જીવનરક્ષક સારવારઃ ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડા : (કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ દેવભુમી દ્વારકા જીલ્લાના નારણ નાથાભાઇ ભોજાણી, મહિપત ઉર્ફે કાયડી રણમલભા કેર અને રાણા દેવાભાઇ જામ સામે પાસા હેઠળ કાર્યવાહી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૨૪:  ધ્રોલ તાલુકા તેમજ આસપાસના વિશાળ ગ્રામ્‍ય વિસ્‍તારના નાગરિકોને ઘરઆંગણે જ અદ્યતન, ગુણવત્તાસભર અને સુવિધાયુક્‍ત આરોગ્‍ય સેવાઓ ઉપલબ્‍ધ કરાવવાના ઉમદા આશય સાથે નવનિર્મિત સબ ડિસ્‍ટ્રિક્‍ટ હોસ્‍પિટલનું ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગર ખાતેથી વર્ચ્‍યુઅલ માધ્‍યમથી ભવ્‍ય લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. રાજ્‍ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી આ અત્‍યાધુનિક હોસ્‍પિટલ કાર્યરત થવાથી પંથકના દર્દીઓને નિષ્‍ણાત તબીબો અને સ્‍પેશિયાલિસ્‍ટ સારવાર સ્‍થાનિક સ્‍તરે જ સુલભ બનશે.

આ લોકાર્પણ સમારોહ આજરોજ સવારે ૧૦:૦૦ વાગ્‍યે હોસ્‍પિટલ પરિસર ખાતે ગરિમાપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો.

આ નવનિર્મિત સબ ડિસ્‍ટ્રિક્‍ટ હોસ્‍પિટલ કુલ ૭૫ બેડની ક્ષમતા ધરાવે છે, જેમાં અતિ ગંભીર દર્દીઓ માટે ૧૦ અદ્યતન આઈસીયુ (ICU) બેડની ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં તાલુકા/ગ્રામ્‍ય કક્ષાએ આટલી વિશાળ ક્ષમતા અને આઈસીયુ સુવિધાયુક્‍ત હોય તેવી આ પ્રથમ સરકારી હોસ્‍પિટલ બની છે,

કાર્યક્રમમાં ઉપસ્‍થિત ધારાસભ્‍ય શ્રી મેઘજીભાઈ ચાવડાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્‍યું હતું કે, ધ્રોલ અને આસપાસનો વિસ્‍તાર ઘણો મોટો હોવાથી અહીં અદ્યતન હોસ્‍પિટલની ખૂબ જ તાતી જરૂરિયાત હતી. વર્ષ ૨૦૨૪માં મા.મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરતા તેમણે તાત્‍કાલિક અસરથી આ હોસ્‍પિટલના નિર્માણ માટે મંજૂરી આપી હતી. સરકારે કરોડો રૂપિયાના ખર્ચે ૭૫ બેડ અને ૧૦ આઈસીયુ બેડ સાથેની આ સુવિધા ઉપલબ્‍ધ કરાવી છે.ૅ

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ધ્રોલ નજીકથી નેશનલ હાઈવે પસાર થતો હોવાથી અકસ્‍માતના ગંભીર કિસ્‍સાઓમાં દર્દીઓને ‘ગોલ્‍ડન અવર'માં તાત્‍કાલિક આઈસીયુ સારવાર અહીં જ મળી રહેશે. દર્દીઓને કોઈ અગવડ ન પડે તે માટે પૂરતો તબીબી સ્‍ટાફ તાત્‍કાલિક કાર્યરત રહે અને લોકોને અવિરત સેવાઓ મળતી રહે તેવું સુદ્રઢ આયોજન કરવામાં આવ્‍યું છે.

અત્‍યાર સુધી ધ્રોલ અને આસપાસના ગ્રામજનોને ગંભીર બીમારી, અકસ્‍માત કે આઈસીયુ સારવાર માટે જામનગર, રાજકોટ કે અન્‍ય મોટા શહેરો તરફ દોડવું પડતું હતું. નવી સબ ડિસ્‍ટ્રિક્‍ટ હોસ્‍પિટલ શરૂ થવાથી દર્દીઓને સ્‍થાનિક સ્‍તરે જ સમયસર ઈમરજન્‍સી અને સ્‍પેશિયાલિસ્‍ટ સારવાર મળશે, જેનાથી સામાન્‍ય પરિવારોને મુસાફરીની હાલાકીમાંથી મુક્‍તિ મળશે તેમજ સમય અને નાણાં બંનેની મોટી બચત થશે.

આ પ્રસંગે જિલ્લા આરોગ્‍ય સમિતિના ચેરમેન શ્રી રાજેશભાઈ મકવાણા, ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ  પ્રવિણભાઈ લીંબાસીયા, જામનગર જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ  નવલભાઈ મુંગરા, ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઈ કોટેચા, ધ્રોલ નગરપાલિકા કારોબારી અધ્‍યક્ષ  સુરેશભાઈ ગોસાઈ, ધ્રોલ મામલતદાર, ધ્રોલ નગરપાલિકા ઉપપ્રમુખ રંજનબેન દલસાણીયા, મહામંત્રી મહેશભાઈ ચીખલીયા, તુષારભાઈ ભાલોડીયા, સંજયસિંહ જાડેજા, યુવા મોરચા પ્રમુખ ભગીરથસિંહ જાડેજા, ધ્રોલ સરકારી હોસ્‍પિટલનો તબીબી સ્‍ટાફ તથા સ્‍થાનિક અગ્રણીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ તથા જિલ્લા પંચાયત, જામનગર દ્વારા કરવામાં આવ્‍યું હતું. સ્‍થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોએ આ હોસ્‍પિટલને ધ્રોલ પંથકના આરોગ્‍ય ક્ષેત્રે એક ઐતિહાસિક સોપાન ગણાવી રાજ્‍ય સરકારનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો

(12:49 PM IST)