તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
દ્વારકા પોલીસનું મોટું ઓપરેશનઃ નંબર પ્લેટ બદલી GST ચોરી કરતું રેકેટ ઝડપાયું, બાવન લાખનો મુદ્દામાલ જપ્ત
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શનમાં ઓખા PI કે.એમ. જાડેજા અને LCBની કાર્યવાહી, આઇશર ટ્રકના નંબર બદલી બોગસ E-Way બિલ બનાવી કરોડોની ટેક્સચોરી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૩: દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શનમાં ઓખા પોલીસ અને LCBએ GST ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ટ્રકની નંબર પ્લેટમાં હેરાફેરી કરી સરકારને મોટું નાણાકીય નુકસાન પહોંચાડતું રેકેટ પકડાયું છે.
આરોપીઓ આઇશર ટ્રકના રજીસ્ટ્રેશન નંબરમાં છ નંબરના બદલે આઠ નંબરનો આંકડો બદલી બોગસ નંબર પ્લેટ તૈયાર કરતા હતા. વજનકાંટા સમયે એક ગાડીનો નંબર બીજી ગાડીમાં નાખી દેતા. E-Way બિલમાં ઓખામાં રહેતા જ ન હોય તેવા ‘‘બબલુ ખાન''ના નામે બોગસ સપ્લાય બતાવી ખોટું વજન અને ખોટું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા. હાર્ડ કોપીમાં નહીં, માત્ર ઓનલાઈન GST ચોરી કરતા હતા.
મુકેશ બજરંગદાસ વડોદરા, રવિ કુંદન મિશ્રા ભરૂચ, રમીયા ઉર્ફે બબલુ વડોદરા, બબન કુમાર ભારદ્વાજ વડોદરા, દેવાંશુ રાજપુત વડોદરા, જયસુખ કાળાભાઈ વાઢેર કોડીનાર અને હિલેરી પોલ મુંબઈ સામે ફરિયાદ નોંધાઈ છે.
બનાવમાં વપરાતી બે આઇશર ગાડી કિંમત ૩૦ લાખ તથા ટ્રક આગળ પાયલોટિંગ કરતી બે વૈભવી કાર કિંમત ૨૨ લાખ મળી કુલ ૫૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
ઓખા PI કે.એમ. જાડેજા તથા LCB પોલીસે આ સફળ ઓપરેશન પાર પાડ્યું. આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરાઈ છે. ટૂંક સમયમાં તમામ આરોપીઓને ઝડપી લેવાશે. દ્વારકા જિલ્લા LCB અને ઓખા પોલીસની આ મોટી સફળતાથી GST ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
