<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

ફૂડ વિભાગના ચેકિંગ દરમિયાન જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા માંથી ભેળસેળયુક્ત દૂધનો જથ્થો ઝડપાયો; ૬ નમૂના સબ-સ્ટાન્ડર્ડ જાહેર : ૧૨ છાત્રાલયો-હોસ્ટેલના રસોડાની તપાસ દરમિયાન ૭ ને નોટીસ

દૂધના પાવડર તથા ફોરેન ફેટ અને વનસ્પતિની હાજરી મળી આવતા તમામ નમૂનાઓને લેબોરેટરી દ્વારા "સબ સ્ટાન્ડર્ડ" જાહેર : ૬ લોકો સામે એફ.એસ.એસ.એ. ૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૨ :  ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, જામનગર દ્વારા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રીશ્રી તથા કમિશ્નર ઓફ ફૂડ સેફ્ટીના માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગની ટીમ દ્વારા રાજકોટ રેન્જની ટીમ સાથે  જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર (મેવાસા) ગામ માંથી અલગ-અલગ ૬ લોકો પાસેથી શંકાસ્પદ દૂધના ૬ નમૂનાઓ લેવામાં આવેલ હતા.

 

જે તમામ નમૂનાઓમાં લેબોરેટરી તપાસ દરમિયાન દૂધના પાવડર તથા ફોરેન ફેટ અને વનસ્પતિની હાજરી મળી આવતા તમામ નમૂનાઓને લેબોરેટરી દ્વારા "સબ સ્ટાન્ડર્ડ" જાહેર કરેલ છે. જેના અનુસંધાને ૬ લોકો સામે એફ.એસ.એસ.એ. ૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા તા.૧૪/૦૯/૨૦૨૬ થી વિવિધ છાત્રાલયોની  રસોડાઓની તપાસ કરવા સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ ૧૨ છાત્રાલયોની તપાસ કરી કાયદા મુજબની જરૂરી સુધારા સ્થળ પર કરાવવા ઉપરાંત કાયદા મુજબના લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવવા માટે ૦૭ નોટિસ આપવામાં આવી છે.

 

આ તપાસ આવનારા સમયમાં પણ ચાલુ રહેવાની હોય કોઈપણ છાત્રાલય, કેન્ટીન કે પી.જી.ના રસોડાઓ ચલાવતા હોય તેઓએ કાયદા મુજબનું લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવી કાયદા મુજબની સ્વચ્છતા ફરજિયાત જાળવવાની રહેશે. જેથી આવા તમામ વેપારીઓને સત્વરે લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવી કાયદા મુજબની સ્વચ્છતા જાળવી ખાદ્ય પદાર્થનો વ્યવસાય કરવા ખોરાક અને ઔષધિ નિયમન તંત્ર અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

 

(1:26 PM IST)