તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
ચોટીલા-સાયલા હાઈવે પર મોટી વાડી નજીક અકસ્માતમાં ડ્રાઇવર કેબિનેટમાં ફસાઇ ગયો
સ્થાનિકોએ રેસ્કયૂ કરી ગંભીર ઈજાગ્રસ્ત ડમ્પર ચાલકને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો, અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ, પોલીસે તપાસ હાથ ધરી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૩૦: ચોટીલા-સાયલા હાઈવે પર મોટી વાડી વિસ્તાર નજીક મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહીં રસ્તા પર આગળ જઈ રહેલી એક ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે આવતું ડમ્પર ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં ડમ્પરનો આગળના ભાગે કચ્ચરઘાણ બોલી ગયો હતો અને ચાલક કેબિનની અંદર જ ફસાઈ ગયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, ચોટીલા-સાયલા હાઈવે પર આગળ જઈ રહેલા એક યુટિલિટી પીકઅપ વાહનને બચાવવા જતા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારી દીધી હતી. ટ્રકે અચાનક બ્રેક મારતાં જ પાછળ આવી રહેલું ડમ્પર ટ્રક સાથે ધડાકાભેર અથડાયું હતું. ટક્કર એટલી ભીષણ હતી કે ડમ્પરની કેબિનનો ભુક્કો બોલી ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તુરંત જ મદદે દોડી આવ્યા હતા. લોકોએ બીજા વાહનની મદદ વડે ડમ્પરના પતરાંને ખેંચીને બહાર કાઢયા હતા અને કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ડમ્પર ચાલકને તત્કાલ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતને કારણે ચોટીલા-સાયલા હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને વાહનવ્યવહાર ખોરવાઈ જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે હાઈવે પરથી અકસ્માતગ્રસ્ત વાહનો દૂર કરાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
