<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

પોરબંદરમાં ‘દ્રશ્યમ’ ફિલ્મ સ્ટાઈલ હત્યાનો ભેદ ઉકેલાયો: દોઢ વર્ષ પહેલા લાપતા થયેલા યુવાનની તેના જ મિત્રએ કરી હતી ક્રૂર હત્યા!

મઢડા જવાની બાબતે થયેલી તકરારમાં મિત્રએ લાકડા અને પથ્થરથી જીવ લીધો; પુરાવા નાશ કરવા લાશ સળગાવી અસ્થિઓ પધરાવી દીધા

પોરબંદર: પોરબંદરના કુતિયાણા તાલુકાના ચૌટા ગામે દોઢ વર્ષ પૂર્વે રહસ્યમય રીતે ગુમ થયેલા એક યુવાનની હત્યાનો ભેદ આખરે ઉકેલાયો છે. આ ઘટનામાં ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે જાણવા મળ્યું કે યુવાનની હત્યા બીજા કોઈએ નહીં પણ તેના જ જીગરી મિત્રએ કરી હતી. ‘દ્રશ્યમ’ ફિલ્મના પ્લોટ જેવી આ ક્રાઈમ સ્ટોરી બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. 
ઝઘડાનું કારણ અને કરુણ હત્યા
ચૌટા ગામે રહેતા નરેન્દ્ર ઉર્ફે ભરત ગોવિંદભાઇ મેથાણીયા અને તેના મિત્ર માલદે દેવા નંદાણીયા વચ્ચે સોનલ બીજની ઉજવણી માટે મઢડા જવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે માલદેએ આવેશમાં આવીને નરેન્દ્ર પર લાકડા અને પથ્થર વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજાઓ થવાને કારણે નરેન્દ્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. 
પુરાવાનો નાશ કરવા અપનાવી અનોખી તરકીબ
મિત્રની હત્યા કર્યા બાદ માલદેએ કાયદાના પંજામાંથી બચવા માટે ફિલ્મી સ્ટાઈલ અપનાવી હતી. તેણે નરેન્દ્રની લાશને લાકડા અને પેટ્રોલની મદદથી સળગાવી દીધી હતી. ત્યારબાદ પાપ છુપાવવા માટે તેણે મૃતકના અસ્થિઓને પાણીમાં પધરાવી દીધા હતા જેથી કોઈ પુરાવો ન બચે. લાંબા સમય સુધી નરેન્દ્ર ઘરે ન પરત આવતા તેના પિતાએ કુતિયાણા પોલીસ મથકમાં પુત્ર ગુમ થયાની નોંધ કરાવી હતી. 
પોલીસની ઝીણવટભરી તપાસ અને ધરપકડ
પોલીસે આ કેસમાં મળેલી ગુપ્ત બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી હતી. સતત પૂછપરછ અને ઝીણવટભરી તપાસના છેડે માલદે દેવા નંદાણીયા ભાંગી પડ્યો હતો અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(7:24 PM IST)