<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

ભાવનગર જિલ્લા પોલીસ બેડમાં ધરખમ ફેરફારો : એક સાથે 417 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઈ

જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા કર્મચારીઓને નવી જગ્યાએ મુકાયા :ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ યુનિટ્સમાં પણ ફેરફાર

ભાવનગર જિલ્લા પોલીસ બેડામાં લાંબા સમય બાદ ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા લેવાયેલા આ કડક નિર્ણયને પગલે સમગ્ર પોલીસ તંત્રમાં ભારે હલચલ મચી ગઈ છે. વર્ષોથી એક જ સ્થળે અડીંગો જમાવીને બેસેલા કર્મચારીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે.

ભાવનગર જિલ્લાના જુદા જુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતા કુલ 417 પોલીસ કર્મચારીઓની એક સામટે આંતરિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં વહીવટી પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હોય તેમ જણાય છે. આ બદલી પ્રક્રિયામાં કુલ 224 પોલીસ કર્મચારીઓની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે, જ્યારે 193 કર્મચારીઓની પદર ખર્ચે બદલી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા કર્મચારીઓને નવી જગ્યાએ મુકવામાં આવ્યા છે.

 

માત્ર પોલીસ સ્ટેશનો જ નહીં, પરંતુ જિલ્લાની મહત્વની ગણાતી શાખાઓમાં પણ ફેરફાર કરાયા છે. જેમાં SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ), LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) તેમજ પેરોલ ફર્લો સ્કવોડમાં ફરજ બજાવતા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ એજન્સીઓમાં ફેરફાર થતા હવે ગુનાખોરી ડામવા માટે નવી વ્યૂહરચના જોવા મળી શકે છે.

 

એકસાથે આટલી મોટી સંખ્યામાં બદલીના ઓર્ડર છૂટતા પોલીસ આલમમાં 'કહીં ખુશી, કહીં ગમ' જેવો માહોલ સર્જાયો છે. ખાસ કરીને લાંબા સમયથી પ્રભુત્વ ધરાવતા કર્મચારીઓની બદલી થતા સ્થાનિક સ્તરે અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. વહીવટી તંત્રના આ નિર્ણયથી પોલીસિંગમાં નવી ઉર્જા આવશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

(1:12 PM IST)