<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

ડો.બાબાસાહેબ આંબેડકરના વિચારો આજે પણ રાષ્ટ્રના વિકાસ અને સમાજના ઉત્થાન માટે પ્રેરણારૂપ : સાંસદ વિનોદભાઈ ચાવડા

કચ્છ જિલ્લા ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભુજમાં ભવ્ય સંવિધાન યાત્રા યોજાઈ : યાત્રામાં લોકશાહી મૂલ્યો, સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુત્વની ભાવનાને ઉજાગર કરવામાં આવી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૭ : ભારતના બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરે દેશને આપેલા સામાજિક ન્યાય, સમાનતા અને બંધુત્વના વિચારો આજે પણ સમાજના દરેક વર્ગના ઉત્થાન અને રાષ્ટ્રના વિકાસ માટે પ્રેરણારૂપ છે, તેમ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું.

સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદના નેતૃત્વમાં ભુજ ખાતે ભવ્ય સંવિધાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતનું બંધારણ સ્વીકારવામાં આવ્યું તે 26 નવેમ્બર, 1949ના ઐતિહાસિક દિવસની સ્મૃતિમાં યોજાયેલી આ યાત્રામાં લોકશાહી મૂલ્યો, સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુત્વની ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી.

યાત્રાનો પ્રારંભ ભુજ સ્થિત જૂના ભાજપ કાર્યાલયથી બંધારણની પૂજા સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બંધારણને રથમાં બિરાજમાન કરી ‘સંવિધાન અમર રહો’ના નારા સાથે વાજતે-ગાજતે જ્યુબિલી સર્કલ થઈ ટાઉનહોલ પાસે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી યાત્રા યોજાઈ હતી.

યાત્રાના સમાપન પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે બંધારણના આદર્શો અને મૂલ્યોને જીવનમાં ઉતારવા તેમજ દેશની એકતા, અખંડિતતા અને લોકશાહી પરંપરાઓનું જતન કરવાનો સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે અને દેશની લોકશાહી વ્યવસ્થાનો મજબૂત પાયો છે. બંધારણ દરેક નાગરિકને સમાન અધિકાર, ન્યાય અને સ્વતંત્રતાની બાંહેધરી આપે છે.

સાંસદ વિનોદભાઈ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે ડો. આંબેડકરના વિચારો આજે પણ દેશના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શક છે. તેમના વિચારોને આત્મસાત કરીને સમાજના તમામ વર્ગોના ઉત્થાન અને રાષ્ટ્રની પ્રગતિને વધુ વેગ આપી શકાય છે.

ધારાસભ્યો કેશુભાઈ પટેલ અને માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે સંવિધાન દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં બંધારણ પ્રત્યે જાગૃતિ લાવવાનો, અધિકારોની સાથે રાષ્ટ્રીય ફરજોનું ભાન કરાવવાનો અને લોકશાહી મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો છે.

આ સંવિધાન યાત્રામાં કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર અને ભીમજીભાઈ જોધાણી, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ રવિભાઈ ગરવા, યુવા મોરચાના પ્રમુખ રામભાઈ ગઢવી, મહિલા મોરચાના પ્રમુખ પારૂલબેન પટેલ, કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ હિતેશભાઈ ગોસ્વામી, લઘુમતી મોરચાના પ્રમુખ આકીબભાઈ બાયડ, મહામંત્રી કેશવજીભાઈ રોશીયા અને પુરુષોત્તમભાઈ મારવાડા સહિતના આગેવાનો તથા કાર્યકરો જોડાયા હતા. સમગ્ર યાત્રાના ઇન્ચાર્જ તરીકે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અશોકભાઈ હાથીએ જવાબદારી સંભાળી હતી. કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ ઇન્ચાર્જ દીપકભાઈ ડાંગરની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.

(9:38 AM IST)