<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

જંગવડમાં ડબલ મર્ડરઃ દંપતિની ધોકા ફટકારી હત્‍યા

જંગવડમાં ડબલ મર્ડરઃ દંપતિની ધોકા ફટકારી હત્‍યા હત્‍યાનો ભોગ બનનારનો પરિવાર અગાઉ કાકાજી સસરા લઘરાભાઇના મકાનમાં રહેતો ત્‍યારે કુટુંબી જેઠ અશોક ઉર્ફે સુડો વારંવાર માથાકુટ કરી ગાળો દઇ, મારવાની ધમકી દેતોઃ જેથી ઘર ખાલી કરી ભાડેથી રહેવા જતાં મનદુઃખ હતું: ગઇકાલે અશોક ધોકા સાથે ધસી આવ્‍યો અને ‘આજે તમને બધાને મારી નાંખવા છે' કહી તૂટી પડયો :જસદણના આટકોટ પાસેના ગામમાં અરેરાટીઃ હીરાઘસુ પ્રકાશભાઇ બચુભાઇ ઘોડકીયા -કોળી (ઉ.વ.૩૪) અને તેના સગર્ભા પત્‍નિ વિલાસબેન (ઉ.વ.૩૨)ની હત્‍યાઃ ભાભી લાભુબેન ઘોડકીયા અને ભત્રીજાવહૂ પુરીબેન ઘોડકીયાને ઇજાઃ કુટુંબી જેઠ અશોક ઉર્ફે સૂડો ઘોડકીયા ધોકાથી આડેધડ તૂટી પડયોઃ વિલાસબેનનું આટકોટમાં, પતિ પ્રકાશભાઇનું રાજકોટમાં મોતઃ આરોપી અશોક પોલીસના સકંજામા

હત્‍યાનો ભોગ બનેલા પ્રકાશભાઇ ઘોડકીયા અને વિલાસબેન ઘોડકીયાના નિષ્‍પ્રાણ દેહ અને તેમના ફાઇલ ફોટો તથા શોકગ્રસ્‍ત કુટુંબીજનો જોઇ શકાય છે (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) :હુમલામાં ઘવાયેલા પુરીબેન ભૂપતભાઇ ઘોડકીયા રાજકોટ સારવારમાં છે

રાજકોટ તા. ૨૦: રાજકોટ જીલ્લાના જસદણ તાબેના જંગવડ ગામે ડબલ મર્ડરની ઘટના બનતાં ચકચાર મચી ગઇ છે. કોળી યુવાન અને તેના સગર્ભા પત્‍નિ પર તેના જ કુટુંબી મોટા બાપુના દિકરાએ ધોકાથી તૂટી પડી આડેધડ માથામાં ઘા ફટકારતાં પત્‍નિનું ઘટના સ્‍થળે જ અને પતિનું રાજકોટ ખાતે મોત નિપજ્‍યું હતું. આ બંનેને બચાવવા માટે વચ્‍ચે પડેલા તેમના ભાભી અને ભત્રીજાના પત્‍નિને પણ ઇજા થઇ હતી. હત્‍યાનો ભોગ બનનારના ભાભીના કહેવા મુજબ અગાઉ અમે કાકાજી લઘરાભાઇ ઘોડકીયાના મકાનમાં રહેતાં હતાં ત્‍યારે કુટુંબી જેઠ અશોક ઉર્ફે સૂડો વારંવાર માથાકુટ કરી ગાળો દઇ મારવાની ધમકી આપતો હોઇ અમે મકાન ખાલી કરી ભાડે રહેવા જતાં રહ્યાં હોઇ તેનું મનદુઃખ રાખી ગુરૂવારે ધોકા સાથે આવી તૂટી પડયો હતો.

જાણવા મળ્‍યા મુજબ જંગવડ ગામના લીમડા ચોકમાં રહેતાં પ્રકાશભાઇ બચુભાઇ ઘોડકીયા (ઉ.વ.૩૫) અને તેમના પત્‍નિ વિલાસબેન પ્રકાશભાઇ ઘોડકીયા (ઉ.વ.૩૨) ગઇકાલે બપોર બાદ સાડા ત્રણેક વાગ્‍યે ગામના ધારેશ્વર મંદિરે કથા ચાલુ હોઇ તે સાંભળવા જવા માટે પોતાના ઘરને તાળા લગાવી રહ્યા હતાં ત્‍યારે અચાનક ગામમાં જુના ચોરા પાસે રહેતો પ્રકાશભાઇના મોટા બાપુનો દિકરો અશોક ઉર્ફે સૂડો ધોકો લઇને આવ્‍યો હતો અને પતિ-પત્‍નિ બંને પર તૂટી પડી આડેધડ ઘા ફટકારવા માંડયો હતો.

દેકારો થતાં નજીકમાં રહેતાં કરીયાણાની દુકાન ધરાવતાં પ્રકાશભાઇના ભત્રીજાના પત્‍નિ પુરીબેન ભૂપતભાઇ ઘોડકીયા તેમજ પ્રકાશભાઇના ભાભી મુક્‍તાબેન ઉર્ફ લાભુબેન જેન્‍તીભાઇ ઘોડકીયા  (ઉ.વ.૩૫) બચાવવા દોડી આવતાં આ બંનેને પણ અશોક ઉર્ફે સુડાએ ધોકાના ઘા ફટકાર્યા હતાં. હુમલામાં ગંભીર ઇજા પામનારા વિલાસબેનનું ઘટના સ્‍થળે જ મોત થયુ઼ હતું. જ્‍યારે પ્રકાશભાઇ, મુક્‍તાબેન, પુરીબેનને સારવાર માટે ખસેડાયા હતાં. રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં આજે સવારે સારવાર દરમિયાન વિલાસબેનના પતિ પ્રકાશભાઇ ઘોડકીયાનું પણ મૃત્‍યુ થતાં બનાવ ડબલ મર્ડરમાં પરીણમ્‍યો હતો.

આ બનાવમાં આટકોટ પોલીસે જંગવડ રહેતાં હત્‍યાનો ભોગ બનનાર દંપતિના ભાભી લાભુબેન જેન્‍તીભાઇ બચુભાઇ ઘોડકીયા-કોળી (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી જંગવડમાં જ રહેતાં અશોક ઉર્ફે સુડો ગોવિંદભાઇ ઘોડકીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

લાભુબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું હું પરિવાર સાથે રહુ છું. મારે સંતાનમાં એક દિકરો, એક દિકરી છે. માાર પતિ ત્રણ ભાઇઓ છે. જેમાં મોટા રમેશભાઇ, બાદમાં મારા પતિ જેન્‍તીભાઇ અને સોૈથી નાના પ્રકાશભાઇ છે. અમે બધા અલગ અલગ રહીએ છીએ. ૧૯મીએ ગુરૂવારે બપોર પછી સાડા ત્રણેક વાગ્‍યે બાજુમાં રહેતાં લાલજીભાઇ બાવળીયાની દિકરી ઇલાનો મને ફોન આવ્‍યો હતો અને તેમાંથી મારા દિકરા વ્રજે મારી સાથે વાત કરી કહ્યું હતું કે-હું પ્રકાશકાકા સાથે આપણા ગામથી દુર આવેલા મંદિરે સપ્‍તાહ-કથામાં જાઉ છું. જેથી મેં મારા દિકરાને મંદિર થોડુ દુર હોય ત્‍યાં જવાની ના પાડી હતી. મંદિર રોડ પર હોઇ મને બીક લાગતાં મેં દિકરાને જવાની ના પાડી હતી.

આ પછી હું દિકરા વ્રજને લેવા મારા દિયર પ્રકાશભાઇના ઘર તરફ જવા નીકળી હતી. ઘરનું બારણુ ખખડાવતાં મારા દેરાણી વ્‍લિાબેન બહાર આવેલ. તે વખતે મારો કુટુંબી જેઠ અશોક ઉર્ફે સુડો ગોબરભાઇ ઘોડકીયા ત્‍યાં લાકડાના મોટા ધોકા સાથે હાજર હતો. તે મોટે મોટેથી ગાળો બોલતો હતો. જેથી મેં અને મારા દેરાણી વિલાસબેને તેને ગાળો બોલવાની ના પાડી હતી અને કહ્યું હતું કે-શું લેવા ગાળો આપો છો? આથી અશકો કહેલું કે-આજે તમને બધાને મારી નાંખવા છે. આ પછી તેણે ધોકાથી હુમલો કરી મને માથામાં મારવા જતાં મેં હાથ રાખી દેતાં મારા દેરાણી વચ્‍ચે પડતાં તેના માથામાં લાકડાના ઘા ફટકારી દીધા હતાં. અમે રાડા રાડ કરતાં દિયર પ્રકાશભાઇ ઘર અંદરથી બહાર આવતાં અશોશે તેને પણ માથામાં લાકડાના ફાડાના આડધડ ઘા ફટકારી દીધા હતાં. આ પછી મારા દિયર-દેરાણી નીચે પડી ગયા હતાં. આ વખતે મારા ભત્રીજા ભૂપતના પત્‍નિ પુરીબેન વચ્‍ચે પડતાં અશોકે તેને પણ માથામાં ધોકો ફટકારતાં તે પણ જમીન પર પડી ગયા હતાં.

દરમિયાન મારા જેઠ રમેશભાઇ આવી જતાં અશોક ભાગી ગયો હતો. મને તથા મારા દિયર, દેરાણી, ભત્રીજાના પત્‍નિે  ઇજા થઇ હોઇ રિક્ષા મારફત આટકોટ કે. ડી. પી. હોસ્‍પિટલમાં લલઇ ગયા હતાં. જ્‍યાં મારા દેરાણીને ડોક્‍ટરે મૃત જાહેર કર્યા હતાં. જ્‍યારે પુરીબેનને અને મારા દિયર પ્રકાશભાઇને વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતાં. આ બનાવનું કારણ એવું છે કે અમે મારા કાકાજી સસરા લઘરાભાઇ ઘોડકીયાના મકાને અગાઉ રહેતાં હતાં ત્‍યારે કુટુંબી જેઠ અશોક ઉર્ફે સુડો અમને અવાર-નવાર માથાકુટ કરી ગાળો દેતો હતો. અગાઉ મારવાની ધમકી પણ આપી હતી. જેથી અમે મકાન ખાલી કરી નાંખ્‍યું હતું અને ભાડે રહેવા જતાં રહ્યા હતાં. આ કારણે અશોકને ગમ્‍યું નહોતું. ગુરૂવારે તે મારા દિયર પ્રકાશભાઇના ઘરે ધોકા સાથે આવી ગાળો બોલતો હોઇ મેં અને મારા દેરાણીએ ના પાડતાં તેણે આજે તો તમને બધાને મારી નાંખવા છે કહી ધોકાના ઘા ફટકાર્યા હતાં. જેમાં મારા દેરાણી, દિયર, મને, ભત્રીજાવહુને ઇજાઓ થઇ હતી. જેમાં દેરાણીનું આટકોટમાં અને દિયરનું રાજકોટમાં મોત થયું હતું.

ઘટના બારમાં આટકોટ પીઆઇ આર. એમ. રાઠોડ અને ટીમે ગુનો દાખલ કરી આરોપી અશોક ઉર્ફે સૂડો ભાગી જાય એ પેહલા ગામના નાકા પાસેથી સકંજામાં લઇ લીધો હતો. ડબલ મર્ડરની આ ઘટનાથી આટકોટ-જસદણ પંથકમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. પતિ-પત્‍નિના મૃતદેહના રાજકોટ ખાતે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવવામાં આવ્‍યા હતાં. (૧

 

હત્‍યાનો ભોગ બનનાર વિલાસબેનનો ટુંક સમયમાં સિમંત પ્રસંગ રાખવાનો હતો

ગર્ભમાં રહેલ બાળક જન્‍મ લે એ પહેલા જ કંપાવનારી ઘટનાથી કોળી સમાજમાં કલ્‍પાંત-ઘેરો શોકઃ પ્રકાશભાઇ હીરા ઘસવાનું કામ કરતાં હતાં

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૨૦: ડબલ મર્ડરની આ ઘટનામાં અત્‍યંત કરૂણ વિગતો બહાર આવી છે. પતિ સાથે હત્‍યાનો ભોગ બનનાર વિલાસબેનના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં. તેણીને હાલમાં સારા દિવસો જતાં હતા અને ટુંક સમયમાં સિમંતનો પ્રસંગ યોજવાનો હતો.  પરંતુ પરિવારમાં એક નવા સદસ્‍યનું આગમન થાય એ પહેલા જ સગર્ભા માતાની હત્‍યા થઇ ગઇ હતી.

હત્‍યાનો ભોગ બનનાર પ્રકાશભાઇ ખુબ જ સરળ અને શાંત સ્‍વભાવના હતાં. તેમનો પરિવાર પણ ગામમાં ખુબ સરળ શાંત સ્‍વભાવના પરિવાર તરીકે ઓળખાય છે. હત્‍યાનો ભોગ બનેલા વિલાસબેન અને ફરિયાદી બનેલા તેમના જેઠાણી લાભુબેન બંને સગા બહેનો થાય છે. વિલાસબેનના પતિ પ્રકાશભાઇ હીરાઘસુ તરીકે કામ કરતાં હતાં. કુટુંબી ભાઇ અશોક ઉર્ફે સૂડાને સૂરાતન ચડતાં તેણે બબ્‍બે જીવ લઇ લીધા હતાં. આ બનાવથી ગામમાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. (૧૪.૬)

કૌટુંબીક કાકાની મિલ્‍કત માટે સૂડાએ બબ્‍બે લોથ ઢાળી દીધી

 

કાકા લઘરાભાઈ નિઃસંતાન હોઇ પ્રકાશને મકાન આપી દેતા અશોક ઉર્ફે સૂડો માથાકૂટ કરતો હતોઃ સૂડો દારૂ અને ગાંજાનો વ્‍યસની હોય અગાઉ પણ પોલીસ ચોપડે ચડયો હતો

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૨૦ :જંગવડ ગામે ગઈકાલે કૌટુંબિક ભાઈ ભાભી ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર અશોક ઉર્ફે સુડો રીઢો ગુનેગાર છે કૌટુંબિક કાકાની મિલકત માટે આ હત્‍યા થઈ હોવાનું સામે આવી રહ્યું છે. મરણ જનાર પ્રકાશના કાકા લઘરાભાઈ મંગળાભાઈ નિઃસંતાન હોઇ પ્રકાશ તેમને પિતાની જેમ સાચવતો હતો. આથી લધરાભાઈએ તેમનું મકાન અને બેંકમાં બચત કરેલી રકમ પ્રકાશને આપતા અશોકને માઠુ લાગ્‍યું હતું.  આ બાબતે અગાઉ પણ બોલાચાલી થઈ હતી જે હવે બબ્‍બે હત્‍યામાં પરિણમી હતી.જંગવડ ગામ પાસે આવેલ હનુમાનજીની ધારની જગ્‍યામાં કથા ચાલતી હોય વિલાસબેન સહિત પરિવારજનો કથામાં જવા માટે બહાર ઉભા હતા આ દરમિયાન અશોક નશાની હાલતમાં હાથમાં બારસાખનુ લાકડું લઇ સીધો જ કાંઈજ બોલાચાલી વગર વિલાસબેનના માથાના ભાગે મારતા તેમના સગાબેન અને સગપણમાં જેઠાણી મુક્‍તાબેન જેન્‍તીભાઈ વચ્‍ચે પડતા તેમને, પારિવારિક ભાભી પુરીબેન ભુપતભાઈ અને પ્રકાશ વચ્‍ચે પડતા બધાને આડેધડ ધા મારી અશોક નાસી છૂટયો હતો. જો કે સુડો નશાની હાલતમાં હોય બહુ દૂર ન જઈ શકતા આટકોટથી તાત્‍કાલિક ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી તેણે અશોક ને સકંજામાં લઈ લીધો હતો. પોલીસ વિધિવત ધરપકડ કરી વિશેષ વિગતો જાહેર કરશે.

(11:10 AM IST)