તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 4th May 2026
દીવના વણાંકબારામાં શ્વાનનો આતંક :માછીમાર પરિવારની 8 વર્ષની બાળકી હડકવાનો શિકાર બની: રાજકોટ હોસ્પિટલમાં નાજુક સ્થિતિ
બાળકીને દીવની સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ જ્યાં હડકવા વિરોધી (રેબિઝ) તમામ જરૂરી સારવાર અને ઈન્જેક્શન અપાયા હતા :21 દિવસ બાદ અચાનક જ બાળકીમાં હડકવાના ગંભીર લક્ષણો દેખાવા લાગ્યા: દીવથી ઉના અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાઈ

સંઘ પ્રદેશ દીવના વણાંકબારા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, એક માછીમાર પરિવારની 8 વર્ષની માસૂમ બાળકી રખડતા શ્વાનનો શિકાર બની છે. બજારમાં જઈ રહેલી આ બાળકી પર શ્વાને એટલો ભયાનક હુમલો કર્યો કે તેના મોઢા અને ગાલના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલ આ બાળકી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અત્યંત નાજુક સ્થિતિમાં સારવાર હેઠળ છે આ ઘટનાને પગલે સમગ્ર વણાંકબારા પંથકમાં ભય અને રોષનો માહોલ છે
હુમલા બાદ તુરંત જ બાળકીને દીવની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને હડકવા વિરોધી (રેબિઝ) તમામ જરૂરી સારવાર અને ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. પરિવારને આશા હતી કે બાળકી હવે ભયમુક્ત છે, પરંતુ કમનસીબીએ 21 દિવસ બાદ અચાનક જ બાળકીમાં હડકવાના ગંભીર લક્ષણો દેખાવા લાગ્યા હતા. તબિયત વધુ લથડતા તેને દીવથી ઉના અને ત્યારબાદ વધુ સ્પેશિયાલિસ્ટ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર, બાળકીની સ્થિતિ હાલ ઘણી ગંભીર છે. હડકવા જેવી જીવલેણ બીમારીના લક્ષણો શરીર પર હાવી થઈ રહ્યા હોવાથી તેને આઈસોલેશનમાં રાખી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. એક તરફ માસૂમ દીકરી પીડામાં છે, તો બીજી તરફ આખો પરિવાર તેની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યો છે. આ કિસ્સો રેબિઝ રસીકરણ અને તેની અસરો પર પણ અનેક સવાલો ઉભા કરી રહ્યો છે.
બાળકીની હાલત જોઈ રોષે ભરાયેલા પીડિત પરિવારે દીવ કલેક્ટરની રૂબરૂ મુલાકાત લીધી હતી. પરિવારે ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું કે, વણાંકબારા સહિતના વિસ્તારોમાં રખડતા અને હડકાયા શ્વાનોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. સ્થાનિકોએ માંગ કરી છે કે તંત્ર તાત્કાલિક ધોરણે આવા શ્વાનોને પકડીને પાંજરે પૂરે અથવા તેમનું યોગ્ય રસીકરણ કરે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય માસૂમ આવી દુર્ઘટનાનો ભોગ ન બને.
દીવ જેવા પર્યટન સ્થળે પણ જો આ પ્રકારે રખડતા શ્વાનોનો આતંક રહેતો હોય, તો સ્થાનિકો અને પ્રવાસીઓની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઊભો થાય છે. વણાંકબારાની આ ઘટનાએ પ્રશાસનની કામગીરી સામે આંગળી ચીંધી છે. ગ્રામજનોમાં એવી પણ ચર્ચા છે કે જો સમયસર નગરપાલિકા કે પંચાયત દ્વારા શ્વાન નિયંત્રણના પગલાં લેવાયા હોત, તો આજે એક પરિવારની વહાલી દીકરી હોસ્પિટલના બિછાને ન હોત.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
