તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
શ્વાન આડે આવતા છકડો પલટી મારી ગયો
સોનારી નજીક ગમખ્વાર અકસ્માત ચાલક સહિત ત્રણ લોકો ગંભીર ઇજાગ્રસ્ત

(નવીન જોષી દ્વારા) ઉના તા.૨૬: તાલુકામાં કેસરિયા થી સોનારી તરફ જતાં માર્ગ પર વધુ એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. સોનારી ગામ નજીક મુસાફરો ભરેલી છકડો રિક્ષા અચાનક પલટી મારી જતાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માત બાદ સ્થળ પર ચીસોચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અચાનક એક શ્વાન રિક્ષા વચ્ચે આડે આવ્યું હતું. શ્વાનને બચાવવાના પ્રયાસમાં રિક્ષા ચાલક રમેશભાઈએ સ્ટેરીંગ ફેરવતા વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે છકડો રિક્ષા અનિયંત્રિત બની રોડ પરથી પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષામાં સવાર મુસાફરો ફંગોળાઈ ગયા હતા.
અકસ્માતના પગલે આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં રાણીબેન તેમજ ચાલક રમેશભાઈ સહિત ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. અકસ્માતને કારણે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી.
ઉલ્લેખનીય છે કે કેસરિયાથી તડ તરફ જતો માર્ગ અકસ્માત ઝોન તરીકે ઓળખાવા લાગ્યો છે. આ માર્ગ પર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. અગાઉ પણ અનેક ગંભીર અકસ્માતોમાં ઘણા લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે કેટલાક છકડો રિક્ષા ચાલકો બેફામ ગતિએ વાહન હંકારી માનવ જીવનને જોખમમાં મૂકી રહ્યા છે. સવારે અને સાંજના સમયે ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરી રિક્ષા દોડાવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સાથે કેટલાક ચાલકો સાયલેન્સર નીચા રાખી તથા ઉંચા અવાજમાં ગીતો વગાડી ઘોંઘાટ કરતા હોવાની પણ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોએ પોલીસ અને આરટીઓ વિભાગ સમક્ષ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
