<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

પોરબંદર સાંદીપનિના શ્રીહરિ મંદિરમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી દિવ્ય ધર્મસભા યોજાઈ : ઋષિકુમાર હર્ષિતભાઈ શુક્લએ પીરસ્યો સત્સંગ રસ

ગણેશ ઉત્સવ અંતર્ગત પ્રથમ પૂજ્ય શ્રી ગણપતિજી મહારાજ અને જલતત્વના અધિષ્ઠાતા દેવ તરીકેના મહિમાનું રસપાન : ભાવિકો અને ઋષિકુમારો રહ્યા ઉપસ્થિત

પોરબંદર: પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં પરમ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણા અને આશીર્વાદથી રવિવારે, તા. ૨૦/૦૯/૨૦૨૬ના રોજ સાંજના સમયે વિશેષ ધર્મસભા તથા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં સાંદીપનિની સંસ્કૃત પાઠશાળાના પૂર્વ છાત્ર અને જાણીતા કથાકાર ઋષિ હર્ષિતભાઈ શુક્લ દ્વારા સત્સંગ પ્રવચન સેવા સંપન્ન થઈ હતી.

હાલમાં ચાલી રહેલા પાવન ગણેશ ઉત્સવના દિવસો નિમિત્તે હર્ષિતભાઈ શુક્લએ શ્રી ગણપતિજી મહારાજ અને તેમની સાથે જોડાયેલી પૌરાણિક દિવ્ય કથાઓનો આશ્રય લઈને રવિ-સભામાં દિવ્ય સત્સંગ પીરસ્યો હતો.

પ્રથમ પૂજ્ય શ્રી ગણેશ અને જલતત્વનો મહિમા:
શાસ્ત્ર વચનોના આધારે ‘પ્રથમ પૂજ્ય શ્રી ગણપતિજી મહારાજ શા માટે છે?’ તે વિષય પર વિસ્તૃત પ્રકાશ પાડવામાં આવ્યો હતો. પંચ-તત્વ અને તેના વિસ્તારમાં ગણપતિ મહારાજ જલતત્વના અધિષ્ઠાતા દેવતા હોવાથી તેમની પ્રથમ પૂજા થાય છે, તે શાસ્ત્રીય બાબતનું સુંદર વર્ણન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, સમુપસ્થિત ઋષિકુમારોને જ્ઞાનની પ્રાપ્તિ તેમજ વિદ્યા અને વિનયના સદ્ગુણો ખીલવવા માટે શ્રી ગણપતિજીની ઉપાસના શા માટે આવશ્યક છે, તે વિષયનું પણ પ્રેરણાદાયી વિવેચન કરાયું હતું. આ ભક્તિમય ધર્મસભામાં પોરબંદરથી પધારેલા ભાવિકજનો તથા સાંદીપનિના ઋષિકુમારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ - મુકેશ પંડિત)

(3:54 PM IST)