<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

જામનગર જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' યોજાયો

અરજદારોના પ્રશ્નોનો સમયમર્યાદામાં હકારાત્મક ઉકેલ લાવવા કલેક્ટરની તાકીદ; દબાણ, રસ્તા, જમીન અને વીજળી સહિતના પ્રશ્નોની સઘન સમીક્ષા કરાઈ

જામનગર:જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' યોજાયો હતો. આ બેઠકમાં કલેક્ટરએ નાગરિકોની રજૂઆતોને ગંભીરતાથી સાંભળીને નિયમોનુસાર ત્વરિત કાર્યવાહી કરવા તથા તમામ પ્રશ્નોનો નિર્ધારિત સમયમર્યાદામાં સંતોષકારક નિકાલ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.અને બેઠકમાં ઉપસ્થિત નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલા મહત્તમ પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન નાગરિકો દ્વારા જર્જરિત ઇમારતો દૂર કરવી, સૌની યોજનાની પાઇપલાઇનમાં પાણીનો વાલ્વ મૂકવો, જૂના માર્ગોને ડામર રોડમાં રૂપાંતરિત કરવા, ખુલ્લી ગટરો અને ઉભરાતી ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવું તેમજ રોડ પર સ્પીડબ્રેકર મૂકવા અને રેલિંગની ઊંચાઈ ઘટાડવા વગેરે અંગે રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગૌચરની જમીનનાં દબાણો દૂર કરવા, ગૌચરની જમીન સરકારી ખરાબામાંથી પરત ગૌચર હસ્તે કરવી, કૂવા માટે જમીન ફાળવવી, જાહેર રોડ પરની દબાયેલી કુંડીઓ ખુલ્લી કરાવવી, નદી પરના પુલનું રિપેરિંગ કરવું તથા ખેતીની જમીનનું ધોવાણ અટકાવવા પ્રોટેક્શન વોલ બનાવી આપવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
સાથે જ, જાહેર રસ્તો ખુલ્લો કરવા માટે દિવાલ દૂર કરવી, સરકારી ખરાબાના દબાણો હટાવવા, કુદરતી પાણીનું વહેણ ખુલ્લું કરવું, ખાતેદારની મંજૂરી વગર વીજ વાયરોની લાઇન નાખવા અંગેની રજૂઆત તેમજ પીવાનું પાણી નિયમિત પૂરું પાડવા સહિતના વિવિધ લોકપ્રશ્નો પર બેઠકમાં સઘન સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
બેઠકમાં કલેક્ટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી કે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાંથી આવતા સામાન્ય માનવીના પ્રશ્નોનો પારદર્શક અને સંવેદનશીલ અભિગમ સાથે ઝડપી નિકાલ થાય તે સુનિશ્ચિત કરવું એ આપણી સૌની મુખ્ય પ્રાથમિકતા છે. સ્વાગત કાર્યક્રમના માધ્યમથી અરજદારોને રૂબરૂ ન્યાય અને રાહત મળતી હોવાથી તમામ કચેરીઓએ સંકલનમાં રહીને કામગીરી કરવા તેમણે ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, ઇ.પોલીસ અધિક્ષક સુશ્રી પ્રતિભા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, સર્વે પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ વિવિધ સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(9:37 PM IST)