તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
મોરબીમાં ર૧મીએ જિલ્લા કક્ષાનો ‘‘વિશ્વ યોગ દિવસ'' ઉજવાશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ તા ૧૮,આગામી ૨૧ જૂનના રોજ ‘વિશ્વ યોગ દિવસ' ની મોરબી જિલ્લામાં વ્યાપક સ્તરે ઉજવણી કરવાના સુચારુ આયોજન અન્વયે જિલ્લા કલેક્ટર સ્વપ્રિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
મોરબી જિલ્લા કક્ષાનો મુખ્ય યોગ દિવસનો કાર્યક્રમ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમળતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવનાર છે. જે અન્વયે યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત તમામ સંબંધિત વહીવટી વિભાગોના અધિકારીઓ ને કાર્યક્રમ સ્થળે સ્ટેજ વ્યવસ્થા, સુદ્રઢ બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી, ર્પાકિંગ સુવિધા, ટ્રાફિક નિયમન અને અન્ય તમામ મહત્વની આનુસંગિક વ્યવસ્થાઓ સમયસર અને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે કલેક્ટર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકનું સંચાલન કરી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે જરૂરી સૂચનો કર્યા હતા.
મોરબી મહાનગરપાલિકાઃ દેવ ફાર્મ ખાતે કાર્યક્રમ યોજાશે.ટંકારા તાલુકા અને નગરપાલિકાઃઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે સંયુક્ત કાર્યક્રમ યોજાશે.હળવદઃ મહર્ષિ ગુરુકુળ ખાતે કાર્યક્રમ યોજાશે.વાંકાનેરઃ ટાઉનહોલ ગ્રાઉન્ડ (માર્કેટ ચોક) ખાતે કાર્યક્રમ યોજાશે.માળિયાઃ સત્યસાંઈ વિદ્યામંદિર (પીપળીયા ચાર રસ્તા) ખાતે સંયુક્ત કાર્યક્રમ યોજાશે.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
