<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

જામનગરમાં ૨ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્ર સજ્જ : કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

શુક્રવાર અને શનિવારે તમામ શાળાઓ - આંગણવાડીઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે : SDRFની ટીમ સ્ટેન્ડબાય : નીચાણવાળા વિસ્તારોમાં સતત નજર રાખવા અને શેલ્ટર હોમ તૈયાર રાખવા આદેશ

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: ભારતીય હવામાન વિભાગ દ્વારા જામનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આગામી ૨ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સંભવિત કટોકટીપૂર્ણ પરિસ્થિતિને પહોંચી વળવા અને જનજીવન પર ઓછામાં ઓછી અસર થાય તે માટે જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં તમામ સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્ત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

ભારે વરસાદની આગાહીના પગલે બાળકોની સુરક્ષાને પ્રાધાન્ય આપતાં જિલ્લા કલેક્ટરના સૂચનથી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જામનગરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને આંગણવાડીઓમાં ૩૧ જુલાઈ (શુક્રવાર) અને ૧ ઓગસ્ટ (શનિવાર) ના રોજ શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે, શાળાના તમામ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફે હેડક્વાર્ટર ન છોડવા અને આપત્તિ વ્યવસ્થાપન કામગીરીમાં સહયોગ આપવા આદેશ કરાયો છે. જરૂર પડ્યે શાળાઓનો શેલ્ટર હોમ તરીકે ઉપયોગ કરવા વીજળી, પાણી અને શૌચાલયની વ્યવસ્થા રાખવા જણાવાયું છે.

આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ (SDRF)ની એક ટીમ જિલ્લામાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. કલેક્ટરે નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવા તેમજ ઇમરજન્સીમાં ત્વરિત બચાવ-રાહત કામગીરી હાથ ધરવા સૂચના આપી છે. અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ્સ, પીવાનું પાણી અને આશ્રયસ્થાનોની પૂર્વતૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

બેઠકમાં વિવિધ વિભાગોને ચોક્કસ જવાબદારીઓ સોંપવામાં આવી છે:

  કૃષિ અને પશુપાલન વિભાગ: ખેડૂતોને પાક સંરક્ષણ અને વીજળીના કડાકા સમયે સાવચેતી અંગે જાગૃત કરવા તેમજ પશુઓના આરોગ્ય, ચારા અને સલામત સ્થળે સ્થળાંતર માટે માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવી.

  આરોગ્ય વિભાગ: પાણીજન્ય અને ચેપી રોગચાળો અટકાવવા જરૂરી દવાઓ, મેડિકલ સ્ટાફ અને ઇમરજન્સી સેવાઓ તૈયાર રાખવી.

  સિંચાઈ વિભાગ: ડેમ-જળાશયોની પાણીની સપાટી પર સતત નિરીક્ષણ રાખવું અને પાણી છોડતા પહેલાં નીચાણવાળા ગામોને પૂર્વચેતવણી આપવી.

  માર્ગ અને મકાન વિભાગ: રસ્તાઓને નુકસાન થાય કે વૃક્ષો ધરાશાયી થાય ત્યારે ત્વરિત રસ્તાઓ સાફ કરી વાહનવ્યવહાર પૂર્વવત કરવો.

કલેક્ટર પી.બી. પંડ્યાએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, માત્ર અધિકૃત સૂચનાઓ પર વિશ્વાસ રાખવા અને જરૂરી કામ વિના ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. આ બેઠકમાં જામનગર મ્યુનિસિપલ કમિશનર દિપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી સહિતના અધિકારીઓ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા.

(5:57 PM IST)