News of Saturday, 3rd October 2026
ગિરનાર લીલી પરિક્રમા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ : કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
વરસાદની અછતને ધ્યાને રાખી પીવાના પાણીની વ્યવસ્થા વધારવા નિર્દેશ : પરિક્રમા રૂટના રસ્તાઓનું મરામત-રિસર્ફેસિંગ, પ્લાસ્ટિક મુક્તિ અને વીજળી-આરોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચના

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ:આધ્યાત્મિક દૃષ્ટિએ અનોખું મહત્વ ધરાવતી અને પરંપરાગત રીતે કારતક સુદ અગિયારસથી શરૂ થતી ગિરનાર લીલી પરિક્રમામાં ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓ માટે જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓના ભાગરૂપે કલેક્ટરે ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકો માટે આવશ્યક પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને આ વર્ષે વરસાદની અછતને ધ્યાનમાં રાખીને ભાવિકો માટે પીવાના પાણીની વ્યવસ્થાનું વધારાનું આયોજન કરવા માટે જરૂરી નિર્દેશો આપ્યા હતા.
કલેક્ટરે વન વિભાગના અધિકારીઓ સાથે સંકલન સાધી પાણી પુરવઠા, માર્ગ અને મકાન, ઇલેક્ટ્રિક તેમજ પોલીસ સહિતના વિભાગોના અધિકારીઓને પરિક્રમા રૂટની રૂબરૂ મુલાકાત (વિઝિટ) લઈને રૂટનું નિરીક્ષણ કરવા અને તે મુજબ આગોતરું આયોજન ઘડવા પર ભાર મૂક્યો હતો.
આ ઉપરાંત, ગિરનાર લીલી પરિક્રમાના રૂટને જોડતા મહાનગરપાલિકા, માર્ગ અને મકાન (પંચાયત) તથા સ્ટેટ હસ્તકના રસ્તાઓના મરામત અને રિસર્ફેસિંગની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના અપાઈ હતી.
પરિક્રમા દરમિયાન વન્ય પ્રાણીઓ સાથે માનવ સંઘર્ષની કોઈ ઘટના ન બને તે માટે જનજાગૃતિ અને પૂરતી લાઇટિંગ વ્યવસ્થા ઊભી કરવા જણાવવામાં આવ્યું હતું. ગિરનાર વિસ્તાર પ્લાસ્ટિક પ્રતિબંધિત હોવાથી પરિક્રમા રૂટ પ્લાસ્ટિક મુક્ત રહે તે અંગે પણ જરૂરી પરામર્શ કરાયો હતો.
બેઠકમાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસ.ટી. અને રેલવે દ્વારા પરિવહન સેવાઓ, પાર્કિંગ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાના પાણી અને વીજળી સહિતની બાબતોને કેન્દ્રમાં રાખીને વિસ્તૃત વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, નિવાસી અધિક કલેક્ટર બી.એસ. બારડ, આસિસ્ટન્ટ કલેક્ટર સરોજ/સુશ્રી વૃષાલી કાંબલે, બી.એસ. બારડ તેમજ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કે.સી. વાઘેલા સહિત વિવિધ સંલગ્ન વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
