તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
જર્મનીથી ભુજ આવતી દિવ્યાંગ દીકરીને એર ઈન્ડિયાનો કડવો અનુભવ
દિલ્હી પહોંચાડયા બાદ ભુજની કનેક્ટિંગ ફલાઇટમાં ફિટ ટુ ફલાય સર્ટિ.ના નામે બેસાડવાનો ઇનકાર : દિલ્હી એરપોર્ટ ઉપર ૧૬ કલાક દિવ્યાંગ દીકરીએ ભૂખ, તરસ સાથે પીડા અને ત્રાસ ભોગવ્યો, જો જો બીજા દિવ્યાંગો સાથે આવું ન બને, વડાપ્રધાન, ઉડ્ડયન મંત્રીને ટ્વીટ કર્યા બાદ એર ઈન્ડિયાનું તંત્ર હરકતમાં : જર્મનીથી ભુજ સુધીની ડાયરેક્ટ ટિકિટ, દિલ્હી બરાબર પહોંચાડી અને ત્યાર બાદ કનેક્ટિંગ ફલાઈટમાં એકાએક ફિટ ટુ ફલાય સર્ટિ. માંગી વિમાનમાંથી નીચે ઉતારી દઈ દિવ્યાંગ દીકરી સાથે અપમાનિત અને શરમજનક વ્યવહાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૪: ટાટા ગ્રુપની વિમાની કંપની એર ઈન્ડિયાના સ્ટાફના ગેર વર્તન દ્વારા જર્મનીમાં માસ્ટર્સનો અભ્યાસ કરતી કચ્છની દિવ્યાંગ દીકરીને અપમાનિત અને શરમજનક વ્યવહાર કરાયો હોવાની ફરિયાદે ચકચાર સર્જી છે. ફાલ્ગુની મહેશ્વરી નામની આ દિવ્યાંગ દીકરીએ જર્મનીના ફ્રેન્કફર્ટથી ડાયરેક્ટ ભુજ સુધીની વિમાની ટિકિટ એર ઇન્ડિયામાં બુક કરાવી સફર શરૂ કરી હતી. પરંતુ આ દિવ્યાંગ દીકરીને ખબર નહોતી કે ઘેર પહોંચવાની તેની આ સફર વિમાની કંપનીના સ્ટાફના અસંવેદનશીલ અને અમાનવીય વર્તનને કારણે અતિ દુઃખ દાયક બની જશે. ફ્રેન્કફર્ટથી એર ઇન્ડિયાની ફલાઇટમાં માસ્ટર્સનો અભ્યાસ કરતી આ દીકરી દિલ્હી પહોંચી ગઈ, પછી દિલ્હીથી ભુજ આવતી કનેક્ટિંગ ફલાઈટમાં બેઠી ત્યારે એર ઈન્ડિયાના વિમાની સ્ટાફે તેને પ્લેનમાંથી ઉતારી દીધી કારણ આપ્યું ફિટ ટૂ ફલાય સર્ટિ નથી. ફ્રેન્કફર્ટથી દિલ્હી સુધી બરાબર આવી ગયેલી પુખ્ત વયની માસ્ટર્સનો અભ્યાસ કરતી યુવતી એ જ્યારે જવાબ આપ્યો કે હું ફિટ છું અને એર ઈન્ડિયાની ફલાઈટમાં જ ડાયરેક્ટ આવી છું. પણ વિમાની સ્ટાફે અપમાનિત વ્યવહાર કરી આ દિવ્યાંગ દીકરીને ભુજના પ્લેનમાંથી ઉતારી મૂકી. આ દીકરી પાસે ઇન્ડિયાનું સીમ કાર્ડ નહીં જર્મનીનું સીમ કાર્ડ માંડ માંડ ઘરે ફોન કર્યો ત્યાર બાદ ભારે હેરાનગતિ ભોગવી દિલ્હીથી અમદાવાદ પહોંચી. ત્યાંથી ૮ કલાકનું રોડ માર્ગે અંતર કાપી ૩૦ કલાકે ભુજ પહોંચી. આ દરમ્યાન ૧૬ કલાક વ્હીલ ચેર વગર હાલી ચાલી ન શકનાર દિવ્યાંગ દીકરી દિલ્હી એરપોર્ટ ઉપર દુઃખદાયક પરિસ્થતિમાં હેરાન પરેશાન થઈ. ભૂખ તરસ અને ઘરે પહોંચવાની ચિતાથી વ્યથિત થઈ. પોતાની સાથે થયેલ આ દુઃખદ વ્યવહાર અંગે દિવ્યાંગ દીકરીએ ઉડ્ડયન મંત્રાલય, વડા પ્રધાન અને એર ઇન્ડિયાને ટ્વીટ કર્યું. ત્યાર બાદ ઉડ્ડયન મંત્રાલયે ખેદ દર્શાવ્યો, એર ઇન્ડિયાએ લખ્યું અમે તમારી ચિતાની નોંધ લીધી છે.
જોકે, એક દિવ્યાંગ વ્યક્તિને મદદરૂપ બનવાના બદલે વિમાની કંપનીના સ્ટાફે કરેલ અસંવેદનશીલ અને અમાનવીય વર્તન વખોડવા લાયક છે. આ દીકરીએ ચિતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ ટ્વીટ કરવાનું કારણ એ છે કે, જો જો બીજા દિવ્યાંગ વ્યક્તિઓ સાથે આવું વર્તન ન થાય.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
