તા. ૬ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૫ શુક્રવાર
News of Friday, 27th November 2026
કચ્છના ઐતિહાસિક ગુરુદ્વારા લખપત સાહિબ ખાતે દિલજીત દોસાંજે ઝુકાવ્યું શીશ
ગુરુ નાનક દેવજીના જ્યાં પાવન પગલાં થયા હતા એ પવિત્ર સ્થળ શ્રી લખપત સાહિબ ગુરુદ્વારાની જાણીતા ગાયક અને અભિનેતાએ મુલાકાત લઈને આધ્યાત્મિક વારસાને કર્યા નમન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા ૨૭ : કચ્છની ધરતી માત્ર કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક વારસાથી જ નહીં, પરંતુ ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતાં ધાર્મિક સ્થળોથી પણ સમૃદ્ધ છે. આવી જ પવિત્ર ધરતી પર આવેલા ઐતિહાસિક ગુરુદ્વારા શ્રી લખપત સાહિબ ખાતે જાણીતા ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝે શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. રણોત્સવ બાદ તેમણે ગુરુદ્વારાની મુલાકાત લઈ ગુરુ નાનક દેવજી મહારાજની પાવન સ્મૃતિ સાથે જોડાયેલા આ સ્થળના ઇતિહાસ અને આધ્યાત્મિક મહત્ત્વ વિશે જાણકારી મેળવી હતી.
દિલજીત દોસાંઝે ગુરુદ્વારા સાહિબ ખાતે નતમસ્તક થઈ ગુરુઘરની આશીર્વાદી પ્રાપ્તિ કરી હતી. ગુરુ નાનક દેવજી મહારાજના ચરણસ્પર્શથી પવિત્ર બનેલી આ ભૂમિની આધ્યાત્મિક મહત્તા, ઐતિહાસિક ગૌરવ અને સેવાભાવની પરંપરા વિશે જાણીને તેઓ અભિભૂત થયા હતા.
આ મુલાકાતનું વિશેષ મહત્ત્વ એ પણ રહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલજીત દોસાંઝ સાથેના સંવાદ દરમિયાન ગુરુદ્વારા શ્રી લખપત સાહિબના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્ત્વનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. જેના પગલે આ પવિત્ર સ્થળ ફરી એકવાર દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૧ માં આવેલા વિનાશક ભૂકંપ બાદ ગુરુદ્વારા પરિસરની જાળવણી, પુનઃસ્થાપન અને સંરક્ષણ માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી રહેલા અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન આ ઐતિહાસિક ધરોહરના પુનઃનિર્માણ અને જાળવણીની કામગીરીને વેગ મળ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા આશરે રૂ. ૫ કરોડની માતબર રકમ ફાળવી ગુરુદ્વારા પરિસરના નવીનીકરણ તથા નૂતન ભવનના નિર્માણની કામગીરી પણ કરવામાં આવી હતી. આજે ગુરુદ્વારા શ્રી લખપત સાહિબ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બન્યું છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે અને આ પવિત્ર સ્થળના ઐતિહાસિક વારસાને નિહાળે છે.
દિલજીત દોસાંઝની મુલાકાત દરમિયાન ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમિતિના જુગરાજસિંહ (રાજુભાઈ સરદાર), જગતારસિંહ ગિલ, સૌદાગરસિંહ, રણજીતસિંહ સૈની, નિર્મલજીતસિંહ, સુખચૈનસિંહ, ગુરજીતસિંહ અને હરનામસિંહ સહિતના ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વવિખ્યાત કલાકાર દિલજીત દોસાંઝની આ આધ્યાત્મિક મુલાકાતથી ગુરુદ્વારા શ્રી લખપત સાહિબના ગૌરવશાળી ઇતિહાસ, ગુરુ નાનક દેવજી સાથેના ઐતિહાસિક સંબંધો અને કચ્છની સમૃદ્ધ આધ્યાત્મિક વિરાસતને રાષ્ટ્રીય તથા વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પ્રસંગ ઉમેરાયો છે.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
