News of Saturday, 26th September 2026
ગોંડલના મંગલમ્ પાર્કમાં દિલીપભાઇ ડાભી, તેના પુત્ર અને ભત્રીજા પર હુમલો
જુના મનદુઃખનો ખાર રાખી દિલીપભાઇના દિકરાને બાઇક કેમ સ્પીડમાં હંકારો છો કહી ગાળો દીધા બાદ ટોળકી રચી તૂટી પડયા

રાજકોટ તા. ૨૬: ગોંડલના મંગલમ પાર્કમાં શેરીમાંથી બાઈક લઈને નીકળેલા યુવકોને તમે કેમ સ્પીડથી બાઇક હંકારો છો તેમ કહી ઝઘડો કરી મારકુટ કરવામાં આવતાં યુવાનો મારથી બચવા ઘરે ભાગતાં કેટલાક શખ્સોએ પાછળ આવી હુમલો કરતાં આ યુવાન તેમજ વચ્ચે પડેલા તેના પિતા, પિત્રાઇ ભાઇને ઇજાઓ થતાં સારવાર માટે દાખલ કરાયા છે. અગાઉ હુમલાખોર પૈકીના એક શખ્સના પુત્રએ ભોગ બનનારની દિકરીની છેડતી કરી હોઇ તે બાબતે માથાકુટ બાદ સમાધાન થઇ ગયુ હતું. આમ છતાં ફરીથી છેડતી કરતાં બોલાચાલી થઇ હોઇ ખાર રાખી હુમલો કરાયાનું જણાવાયું હતું.
ગોંડલમાં ખોડિયારનગરમાં રહેતા દિલીપભાઈ નાથાભાઈ ડાભી (ઉ.વ.૪૨) તેનો પુત્ર જતીન (ઉ.વ.૨૨) અને દિલીપભાઈનો ભત્રીજો અનિલ રમેશભાઈ ડાભી (ઉ.વ.૨૬) સહિતના ઘર પાસે હતા ત્યારે મંગલમ પાર્કમાં રહેતા દંપતી સહિતના શખ્સોએ પાઇપ-લાકડી વડે હુમલો કરતા ત્રણેયને ઇજા થવાથી પ્રથમ ગોંડલ અને ત્યાંથી રાજકોટ સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. અહિ દિલીપભાઇને દાખલ કરી બીજા બેને પ્રાથમિક સારવાર અપાઇ હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
બનાવ અંગે દિલીપભાઈના પુત્ર જતીનના કહેવા મુજબ ગઈકાલે અમે બે બાઇકમાં પાંચ જણા મંગલમ પાર્કની શેરીમાંથી નીકળ્યા હતા ત્યારે ત્યાં બહાર રોડ પર મહિલાઓ બેઠી હોઇ તેણે અમને જોઈને ગાળો આપી હતી. અમે તેને ગાળો આપવાની ના પાડતા બાઈક રોકી તમે અહીંથી કેમ સ્પીડમાં બાઈક હંકારીને નીકળો છો તેમ કહી ધોલધપાટ કરવા લાગ્યા હતા. ટોળું ભેગું થઇ મારમારવા લાગતા અમે ઘર તરફ ભાગી છૂટયા હતા. ત્યાં આઠથી દસ શખ્સો પાઇપ ધોકા અને લાકડીઓ લઈને આવી આડેધડ મારમારવા લાગતા મને મારા પિતાને અને કાકાના દિકરાને ઇજા થઇ હતી. અગાઉ ભરતના દિકરાએ અમારી બહેનની છેડતી કરી હતી તેની ફરિયાદ કરતા બાદમાં સમાધાન કર્યું હતું. આ વાતનો ખાર રાખી ફરીથી માથાકુટ કરાઇ હતી. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
