<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ડિઝલની અછત યથાવતઃ પેટ્રોલપંપો ઉપર લાઇનો

વાવણી કાર્ય પહેલા ખેતીકાર્ય માટે ખેડૂતોને ડિઝલની જરૂરિયાત સામે અપૂરતો જથ્‍થો ઉપલબ્‍ધઃ ખેડૂતોમાં ભારે રોષ

રાજકોટ તા.૨૩: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ડિઝલની ભારે અછત સર્જાઇ છે. પેટ્રોલપંપ ઉપર વાહનોની લાઇનો દરરોજ લાગે છે.

વાવણીકાર્ય પહેલા ખેતીકાર્ય માટે ખેડુતોને ડિઝલની જરૂરીયાત સામે અપુરતો જથ્‍થો ઉપલબ્‍ધ થતા ખેડુતોમાં ભારે રોષ છવાયો છે.

ઉપલેટા

મોટી પાનેલીઃ વહેલી સવારથી ઉપલેટાના રેલવે સ્‍ટેશન રોડ ઉપર આવેલા HP પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ માટે અંદાજે ૫ કિલોમીટર લાંબી લાઈન લાગી હોવાનું સામે આવ્‍યું છે. વહેલી સવારથી જ વાહનચાલકોની ભીડ જામતા સમગ્ર વિસ્‍તારમાં ચર્ચાનો વિષય બન્‍યો છે.

સ્‍થાનિક વાહનચાલકોના જણાવ્‍યા મુજબ ગઈકાલ રાતથી જ પંપ ઉપર ભીડ શરૂ થઈ ગઈ હતી અને આજે સવારે પરિસ્‍થિતિ વધુ વિકટ બની હતી. ટુ-વ્‍હીલરથી લઈને ભારે વાહનો સુધીની લાંબી કતારો જોવા મળી હતી.

એક તરફ કેન્‍દ્ર સરકાર દ્વારા દેશમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત ન હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્‍યારે બીજી તરફ ઉપલેટામાં લાગેલી આ લાંબી લાઈનને લઈને લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે જો અછત નથી તો આટલી લાંબી કતારો શા માટે?

પ્રાથમિક માહિતી મુજબ સપ્‍લાયમાં વિલંબ, અફવાને કારણે પેનીક બાઈંગ અથવા કોઈ ટેકનિકલ કારણોસર પંપ પર ભીડ જામી હોવાની શકયતા છે. HP પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા પરિસ્‍થિતિને થાળે પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ મામલે પુરવઠા વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પંપ પર પૂરતો સ્‍ટોક ઉપલબ્‍ધ છે કે કેમ અને લાઈન લાગવાનું ચોક્કસ કારણ શું છે તેની વિગતો મેળવાઈ રહી છે. તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને જરૂર પૂરતું જ ઈંધણ ભરાવવા અપીલ કરવામાં આવી છે.(ચંદ્રેશ હિરાણી- મોટી પાનેલી).

(10:33 AM IST)