હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધ્રોલ: સરદાર પટેલ જન્મજયંતી: ધ્રોલમાં ભવ્ય ‘એકતા પદયાત્રા’ યોજાઈ; દેશભક્તિના નારાથી નગર ગૂંજ્યું
ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને પાલિકા પ્રમુખ વિનુભાઈ વાઘેલાની વિશેષ ઉપસ્થિતિ: PM મોદીના સંબોધનનું લાઈવ પ્રસારણ નિહાળ્યું

(સંજય ડાંગર દ્વારા ) ધ્રોલ : ધ્રોલ અખંડ ભારતના શિલ્પી, દેશના પ્રથમ ગૃહમંત્રી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ધ્રોલ નગરપાલિકા દ્વારા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ગરિમાપૂર્ણ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે નગરમાં દેશભક્તિના માહોલ વચ્ચે વિશાળ ‘એકતા પદયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધ્રોલ પંથકના રાજકીય, સામાજિક આગેવાનો તેમજ સામાન્ય નગરજનો અભૂતપૂર્વ ઉત્સાહ સાથે ઉમટી પડ્યા હતા.
સાંજે ૫:૦૦ કલાકે ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતેથી ‘એકતા પદયાત્રા’નું વિધિવત્ પ્રસ્થાન થયું હતું. રાષ્ટ્રધ્વજ ત્રિરંગાની આન-બાન-શાન સાથે અને ‘ભારત માતા કી જય’ તેમજ ‘સરદાર પટેલ અમર રહો’ના ગગનભેદી નારાઓ સાથે રેલી ખારવા ચોકડી થઈને ખારવા રોડ સ્થિત રામ રોટી બાપુના આશ્રમ ખાતે પહોંચી સંપન્ન થઈ હતી.
પદયાત્રાના સમાપન બાદ રામ રોટી આશ્રમ ખાતે વિશાળ સભા અને વિવિધ દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ સરદાર સાહેબના એકતા અને રાષ્ટ્રનિર્માણના વિચારોને જીવનમાં ઉતારવા આહવાન કર્યું હતું. જ્યારે નગરપાલિકા પ્રમુખ વિનુભાઈ વાઘેલાએ નગરજનોની બહોળી ઉપસ્થિતિ બદલ હર્ષ વ્યક્ત કર્યો હતો. સભા સ્થળે મોટી એલઈડી સ્ક્રીન મૂકીને ઉપસ્થિત તમામ મહાનુભાવો અને લોકોએ રાષ્ટ્રીય પરેડ તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રજોગ સંબોધનનું લાઈવ પ્રસારણ રસપૂર્વક નિહાળ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌએ સાથે મળીને સ્વરૂચી ભોજન લીધું હતું.
આ ગરિમામય કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામનગર જિલ્લા પ્રભારી દિલીપભાઈ બારડ, ધ્રોલ પ્રભારી નરેન્દ્રસિંહ પરમાર, જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી ભરતભાઈ દલસાણીયા, ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ હિરેન કોટેચા, ધ્રોલ નગરપાલિકા પ્રમુખ વિનુભાઈ વાઘેલા, ઉપપ્રમુખ રંજનબેન દલસાણીયા, કારોબારી અધ્યક્ષ સુરેશભાઈ ગોસાઈ, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ચેરમેન રસિકભાઈ ભંડેરી, ધ્રોલ મનોકામના મંદિરના મહંત નરસિંહદાસ બાપુ, ધ્રોલ નગરપાલિકાના તમામ સદસ્યો તેમજ સ્થાનિક સેવાભાવી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સમગ્ર આયોજનને સફળ બનાવવા બદલ ધ્રોલ નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
