તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Monday, 3rd August 2026
સજાના ગુનામાં નાસતા ફરતા આરોપીને જામનગર જિલ્લા પોલીસની ધ્રોલ પોલીસ ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો: કોર્ટે ફરમાવેલી 6 મહિનાની સાદી કેદની સજા ભોગવવા જેલ હવાલે કરાયો
રાજકોટ રેન્જ આઈજી અને જામનગર એસપીની સુચનાથી ચાલેલી કામગીરીમાં ધ્રોલ પોલીસને મળી સફળતા : વર્ષ 2018ના ક્રિમિનલ કેસમાં સજા પામેલ આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩ : રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્ત રાય (IPS) અને જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IPS) દ્વારા નામદાર કોર્ટ દ્વારા સજા હુકમ થયેલ આરોપીઓને શોધી કાઢી જેલ હવાલે કરવાની સઘન કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી. જે સુચનાના પગલે જામ-ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી પિયુષ વાંદા સાહેબના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને બાતમી આધારિત તપાસ હાથ ધરવામાં આવી હતી.
ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ. વી. રાઠોડ સાહેબના માર્ગદર્શનમાં બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું હતું. તે દરમિયાન બાતમી મળી હતી કે જામનગર જિલ્લાની નં. રજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટના ક્રિમિનલ કેસ નં. 4884/2018 માં સજા હુકમ થયેલ આરોપી પોતાના વતન વિસ્તારમાં હાજર છે.
ઉપરોક્ત બાતમીના આધારે પો.હેડ કોન્સ્ટેબલ સી.જે.જાડેજા અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ધ્રોલ તાલુકાના ફતેહપુરા ગામે દરોડો પાડીને સજા હુકમના કામે નાસતા ફરતા આરોપી જુનેદ ફારૂકભાઈ લામલાણી ઉંમર વર્ષ 35 ને પકડી પાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત આરોપીને કોર્ટે 6 મહિનાની સાદી કેદની સજા ફરમાવી હતી. પરંતુ સજા થયા બાદથી આરોપી ફરાર હતો. પોલીસે આરોપીને પકડીને કાયદેસરની તમામ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ન્યાયિક કસ્ટડીમાં જેલ હવાલે કર્યો છે.
આ સમગ્ર કામગીરી પો.ઇન્સ. એચ.વી.રાઠોડ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ. સી.જે.જાડેજા, પો.કો. મનિષભાઈ મનસુખભાઈ વાડોલીયા, પો.કોન્સ. દેવેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા અને પો.કોન્સ. રાજેન્દ્રસિંહ સહદેવસિંહ જાડેજા સહિતની ટીમે પાર પાડી હતી.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
