<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તાર વરસાદી પાણી ભરાતાં બેટમાં ફેરવાયો : આઠ ઇંચથી વધુ વરસાદથી અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા

કુદરતી નિકાલનો માર્ગ બંધ હોવાથી રસ્તાઓ જળબંબાકાર થતાં સ્થાનિકો મુશ્કેલીમાં : દર ચોમાસે ભરાતા પાણીની કાયમી પીડામાંથી મુક્તિ મેળવવા ગ્રામજનોની માંગ

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: મોરબી શહેર અને તાલુકામાં શનિવારે સવારથી લઈને સાંજ સુધીમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં આઠ ઇંચ કરતાં પણ વધુ આંકડાટોપ વરસાદ વરસી ગયો છે. સાંભેલાધાર વરસેલા વરસાદના કારણે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલા ધાયડી વિસ્તારમાં ચારેય તરફ પાણી ભરાઈ જતાં સમગ્ર વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિને પગલે અનેક સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં લોકોના ઘરોની અંદર સુધી પાણી ઘૂસી જતાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

 

મહેન્દ્રનગર ગામના ધાયડી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેનો જે કુદરતી માર્ગ હતો તે બંધ થઈ જવાના કારણે પાણીનો યોગ્ય નિકાલ થઈ શક્યો ન હતો. જેના પરિણામે સમગ્ર ધાયડી વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો અને તમામ મુખ્ય રોડ-રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા હતા. રસ્તાઓ પર ફરી વળેલા પાણીને કારણે સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

 

આ વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન આ પ્રકારે પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે. ખાસ કરીને લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી જવાથી ઘરવખરીને મોટા પાયે નુકસાન પહોંચે છે. વરસાદી પાણી ભરાવાની આ કાયમી પીડામાંથી ક્યારે કાયમી મુક્તિ મળશે તે અંગે સ્થાનિક રહીશોમાં ચિંતા જોવા મળી રહી છે અને વહીવટી તંત્ર દ્વારા પાણીના કુદરતી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

(10:21 PM IST)