<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

સાંદીપનિના શ્રીહરિ મંદિરમાં ધર્મસભા યોજાઈ : પૂર્વ છાત્ર અને કથાકાર પ્રકાશભાઈ જોષી દ્વારા શ્રોતાઓને સત્સંગ લાભ અપાયો

ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ની પ્રેરણાથી ‘AI તક પહોંચે, અબ ચલો, ચલે માનવતાકી ઓર’ વિષય પર શ્રીરામચરિત માનસના આધારે સુંદર પ્રવચન સંપન્ન

પોરબંદર: સાંદીપનિ આશ્રમ સ્થિત શ્રીહરિ મંદિરમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ની પાવન પ્રેરણા અને આશીર્વાદથી તા. ૧૩/૦૯/૨૦૨૬, રવિવારના રોજ ભવ્ય ધર્મસભા અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં સાંદીપનિની સંસ્કૃત પાઠશાળાના પૂર્વ છાત્ર અને જાણીતા કથાકાર પ્રકાશભાઈ જોષી દ્વારા સત્સંગ પ્રવચનની સેવા આપવામાં આવી હતી.

વર્તમાન સમય અને તકનીકી યુગને અનુલક્ષીને તેમણે "AI તક પહોંચે, અબ ચલો, ચલે માનવતાકી ઓર" વિષય પર વિસ્તૃત નિરૂપણ કર્યું હતું. સંત તુલસીદાસજી રચિત શ્રીરામચરિત માનસના આધારે માનવ દેહનું અમૂલ્ય મૂલ્ય અને તેના સદુપયોગ દ્વારા 'નર માંથી નારાયણ' બનવાની આધ્યાત્મિક યાત્રા વિશે તેમણે ઊંડાણપૂર્વક પ્રકાશ પાડ્યો હતો.

વધુમાં, તેમણે સંસ્થાનના વર્તમાન ઋષિકુમારોને સંબોધતા જણાવ્યું હતું કે પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં અભ્યાસ કરવાનો અત્યંત સુંદર અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે, ત્યારે આ સુવર્ણ તકનો મહત્તમ લાભ લઈ માનવતાના ઉચ્ચ શિખરો સર કરવા જોઈએ. તેમણે સાંદીપનિ સંસ્થાના ધ્યેય વાક્ય - 'જ્ઞાનાર્થ પ્રવેશ - સેવાર્થ પ્રસ્થાન'ને ચરિતાર્થ કરવાની ભાવભરી ભલામણ કરી હતી.

આ ધર્મસભા અને સત્સંગમાં પોરબંદર શહેર તથા આસપાસના વિસ્તારમાંથી પધારેલા ભાવિક ભક્તો તેમજ સાંદીપનિના વિદ્યારત ઋષિકુમારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ - મુકેશ પંડિત)

(10:06 PM IST)