<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

ઉનાના ટીમલી પાસે બાઇક પાછળ બાઇક અથડાતાં સીમરના દેવશીભાઇનું મોત

કુટુંબી ભાઇ મોહનભાઇ ડાભીના બાઇક પાછળ બેસી મહુવા તરફ દવા લેવા જતી વખતે બનાવઃ રાજકોટમાં સારવારમાં મૃત્‍યુ થયું

રાજકોટ તા. ૩: ઉનાના સીમર બંદર નજીકના ભાડા ગામ અને ટીમલી ગામ વચ્‍ચેના રસ્‍તા પર બાઇક પાછળ બાઇક અથડાતાં સીમરના યુવાનનું ગંભીર ઇજા થતાં મોત થયું છે. જ્‍યારે તેના કુટુંબી ભાઇને ઇજા પહોંચી છે. બંને ભાઇઓ મહુવા નજીકના ગામે દવા લેવા જતાં હતાં ત્‍યારે અકસ્‍માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજાગ્રસ્‍ત યુવાને રાજકોટમાં દમ તોડી દીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ સીમર બંદર ખાતે રહેતાં દેવશીભાઇ લક્ષમણભાઇ સોલંકી (ઉ.વ.૪૦) નામના યુવાન ૨૯મીએ સાંજે તેના કુટુંબી ભાઇ મોહનભાઇ વાઘાભાઇ ડાભી (ઉ.વ.૩૫)ના બાઇક પાછળ બેસી મોહનભાઇની દવા લેવા મહુવાના કડસાર ગામ તરફ જવા નીકળ્‍યા હતાં. દરમિયાન ભાડા ચોકડી અને ટીમલી વચ્‍ચેના રસ્‍તા પર આગળ જતાં બાઇકના ચાલકે અચાનક બ્રેક મારતાં મોહનભાઇએ કાબુ ગુમાવતાં તેની પાછળ પોતાનું બાઇક અથડાવી દીધુ હતું.

આને કારણે બંને ભાઇઓ ફંગોળાઇ જતાં ઇજાઓ પહોંચતા સારવાર માટે ઉના હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. દેવશીભાઇને ગંભીર ઇજા થઇ હોઇ રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતાં. અહિ આજે સવારે મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે નાગેશ્રી પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર દેવશીભાઇ ત્રણ ભાઇ અને પાંચ બહેનમાં નાના હતાં. તેમને સંતાન નથી. ખેત મજુરી અને છુટક મજુરી કરી ગુજરાન ચલાવતાં હતાં.

(11:14 AM IST)