News of Sunday, 11th October 2026
જૂનાગઢમાં આસો નવરાત્રિનો ભક્તિમય પ્રારંભ: ગિરનારની ગોદમાં મા વાઘેશ્વરીના દરબારમાં ઉમટ્યું માઈભક્તોનું મહેરામણ
પ્રથમ નોરતે સવારે 6:15 કલાકે માતાજીની દિવ્ય મહાઆરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી શીશ નવાવ્યા

જૂનાગઢ : આસો નવરાત્રિના પવિત્ર પર્વનો ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે જૂનાગઢમાં ગિરનારની ગોદમાં બિરાજમાન અતિ પ્રાચીન શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરે પ્રથમ નોરતે વહેલી સવારથી જ માઈભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
આસો સુદ એકમના પવિત્ર દિવસે વર્ષોની પરંપરા મુજબ સવારે 6:15 કલાકે માતાજીની પ્રથમ આરતી યોજાઈ હતી, જે સમયે સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવથી ગુંજી ઊઠ્યું હતું. વાઘેશ્વરી માતાજી તેમજ ગાયત્રી માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા ધવલ રાજપરા અને બાળપણથી દર્શને આવતા કશ્યપ નામના શ્રદ્ધાળુઓ સહિત અનેક ભક્તોએ પ્રથમ નોરતે દિવ્ય દર્શન કરી સમગ્ર વર્ષ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારીભર્યું રહે તેવી પ્રાર્થના સાથે પોતાના દૈનિક કાર્યોની શરૂઆત કરી હતી.
જૂનાગઢ શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારો અને બહારગામથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નવરાત્રિ દરમિયાન માતાજીનાં દર્શનાર્થે આવે છે. મંદિરનું પવિત્ર આધ્યાત્મિક વાતાવરણ અને વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરા ભક્તોને આસો નવરાત્રિ દરમિયાન અહિયાં ખેંચી લાવે છે.
સોરઠ ધરા પર ગિરનારની તળેટીમાં આવેલું વાઘેશ્વરી ધામ સદીઓથી લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક રહ્યું છે. નવરાત્રિના સમગ્ર નવ દિવસ દરમિયાન મંદિરે ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહેતો હોવાથી મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા માઈભક્તો માટે દર્શન અને સુરક્ષાની યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
