તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
ગોહિલવાડના ઐતિહાસિક તીર્થધામ ધોળામાં ભક્તિભાવભર્યો માહોલ : સંત ધનાબાપાની ૧૮૧મી પુણ્યતિથિની આસ્થા અને ઉમંગ સાથે ભવ્ય ઉજવણી
અષાઢ સુદ પાંચમના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રા, પૂજન, ધ્વજારોહણ અને મહાપ્રસાદ સાથે રક્તદાન શિબિરનું સુંદર આયોજન : સમગ્ર ગામે ધુમાડો બંધ રાખી લીધો ધાર્મિક ઉત્સવનો લાભ

ઈશ્વરિયા: ગોહિલવાડના સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક ધાર્મિક સ્થાન ધોળા ખાતે અષાઢ સુદ પાંચમના પાવન અવસરે સંત ધનાબાપાની ૧૮૧મી પુણ્યતિથિની ભારે શ્રદ્ધા, આસ્થા અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી છે. આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત પૂજન, પરંપરાગત ધ્વજારોહણ અને ભોજન પ્રસાદની સાથે માનવતાવાદી રક્તદાન શિબિરનું પણ સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ધોળા ગામ ઉપરાંત સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.
ભવ્ય શોભાયાત્રા અને ધાર્મિક વિધિઓનું આયોજન:
પૂજ્ય સંતની પુણ્યતિથિ મહોત્સવના પ્રારંભે દેવરાજભાઈ પટેલના નિવાસસ્થાનેથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાજતે-ગાજતે નીકળેલી આ શોભાયાત્રા બાદ જગ્યા ખાતે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અને આસ્થાભેર ધ્વજારોહણનો પ્રસંગ યોજાયો હતો. આ સમગ્ર ધાર્મિક ઉત્સવનું સુંદર આયોજન મહંત બાબુરામભગતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ જગ્યાના સંતો, મહંતો અને સામાજિક અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જગ્યાના પુનિતભાઈ ઘામેલિયાના યોગ્ય સંકલન સાથે વિવિધ દાતાઓ, અગ્રણીઓ અને સેવકોએ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ધામધૂમથી ઉજવણી અને મહાપ્રસાદનો મહિમા:
આ પાવન પ્રસંગે યોજાયેલા બટુક ભોજનના દાતા તરીકે પ્રવિણભાઈ ખૂંટ તરફથી સેવાઓ આપવામાં આવી હતી. સંત ધનાબાપા પ્રત્યેની અપાર શ્રદ્ધાના ભાગરૂપે સમગ્ર ધોળા ગામે ધુમાડો બંધ રાખ્યો હતો. આ અવસરે સ્વર્ગસ્થ ભવાનભાઈ લાલજીભાઈ માવાણી પરિવાર દ્વારા ગામ સમસ્ત અને બહારથી પધારેલા હરિભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો સૌ ભાવિકોએ લાભ લીધો હતો. ધનાબાપા સેવા સંસ્થાનના પ્રમુખ ડાયાભાઈ કાકડિયા, સંસ્થાના કાર્યકર્તાઓ તેમજ ગામ સમસ્ત સેવક પરિવારના રાત-દિવસના પરિશ્રમ અને સહયોગથી સંત ધનાબાપાનો આ પુણ્યતિથિ મહોત્સવ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)
(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
