<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

ભાઈબીજના પવિત્ર પર્વે કાલાવડના રણુજા ધામ ખાતે ભક્તોનું ઘોડાપુર : બાબા રામદેવજી મહારાજને ધરાવાયો અન્નકૂટ

નવા રણુજામાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયું : ૫૬ ભોગના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી બાદ આજે ભાઈબીજના પાવન પ્રસંગે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ નવા રણુજા ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. દિવાળીના તહેવારો અને વેકેશનના માહોલ વચ્ચે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો બાબા રામદેવજી મહારાજના દર્શન અર્થે ઉમટી પડ્યા હતા. ભાઈબીજ નિમિત્તે મંદિર પ્રશાસન દ્વારા રામાપીરના ચરણોમાં ૫૬ ભોગ સાથેનો ભવ્ય અન્નકૂટ મનોરથ ધરાવવામાં આવ્યો હતો.

અન્નકૂટ દર્શન અને ધાર્મિક મહત્વ
સામાન્ય રીતે દર મહિનાની સુદ બીજનું રણુજા ધામ ખાતે અનોખું માહાત્મ્ય હોય છે, પરંતુ બેસતા વર્ષ પછીની આ પ્રથમ બીજ હોવાથી સમગ્ર ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા શ્રદ્ધાળુઓથી રણુજા ધામ પરિસર ઊભરાઈ ગયું હતું. ધામના પૂજારી જગદીશભાઈ ચુડાસમા તેમજ રાજકોટથી આવેલા ભાવિક પ્રિયાંશી પરમાર અને ભાવનગરથી દર્શનાર્થે પહોંચેલા રાજુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, ભાઈબીજના દિવસે બાબા રામદેવજી મહારાજના દર્શન અને અન્નકૂટનો લાહવો લેવો એ અત્યંત પુણ્યદાયી ગણાય છે. દર્શનાર્થીઓએ રામાપીરના ચરણોમાં શિર ઝુકાવીને પોતાના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. (તસ્વીર - કિંજલ કારસરિયા, જામનગર)

(5:18 PM IST)