તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
ગિરનાર લીલી પરિક્રમાના અંતિમ પડાવ બોરદેવી મંદિર ખાતે તંત્રની વ્યવસ્થાથી ભાવિકો ભારે આનંદિત : આરોગ્ય કેન્દ્રમાં અંદાજે ૬૦૦ શ્રદ્ધાળુઓને પ્રાથમિક સારવાર અપાઈ : જુઓ વિડીયો
કલેક્ટર યોગેશ ચૌધરીના માર્ગદર્શનમાં વહીવટી તંત્ર, વનવિભાગ અને પોલીસના સંકલનથી પરિક્રમાર્થીઓને મળી શુદ્ધ પાણી, શૌચાલય અને સ્વચ્છતા સહિતની સુવિધા : બોરદેવી ખાતે રોકાણ બાદ શ્રદ્ધાળુઓનું ભવનાથ તળેટી તરફ પ્રયાણ : કટોકટી માટે એમ્બ્યુલન્સ અને ચોવીસ કલાક તબીબી સેવા કાર્યરત

(વીનું જોષી દ્વારા) : જૂનાગઢ: ગિરનારની પરંપરાગત લીલી પરિક્રમામાં શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક જોડાયેલા લાખો ભાવિકોએ આજે પરિક્રમા રૂટના અંતિમ પડાવ એવા બોરદેવી મંદિર ખાતે રોકાણ કર્યા બાદ ભવનાથ તળેટી તરફ પ્રયાણ કર્યું હતું. કલેક્ટર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાના સમગ્ર રૂટ પર શ્રદ્ધાળુઓની સુખાકારી અને સુવિધા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.
સંકલિત કામગીરી અને પ્રાથમિક સુવિધાઓથી શ્રદ્ધાળુઓ સંતુષ્ટ:
બોરદેવી મંદિર પોઈન્ટ ખાતે જિલ્લા વહીવટી તંત્ર, વનવિભાગ અને પોલીસના સંયુક્ત સંકલન થકી ભાવિકોની સુવિધા માટે પીવાના શુદ્ધ પાણી, શૌચાલય, સ્વચ્છતા તેમજ માર્ગદર્શન અને સંદેશાવ્યવહાર માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ સહિતની પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સમગ્ર પરિક્રમા દરમિયાન પ્રકૃતિના જતન અને સ્વચ્છતાના સંદેશ સાથે તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવેલી આ વ્યવસ્થાઓથી ભાવિકો પ્રભાવિત થયા હતા અને તેમણે સંતોષ વ્યક્ત કરીને વહીવટી તંત્રની કામગીરીની પ્રશંસા કરી હતી.
બોરદેવી આરોગ્ય કેન્દ્રમાં ૬૦૦ ભાવિકોને સારવાર:
શ્રદ્ધાળુઓની આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને બોરદેવી મંદિર પોઈન્ટ પર કાર્યરત કરાયેલા કામચલાઉ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબી અને પેરામેડિકલ ટીમ દ્વારા ચોવીસ કલાક સેવાઓ આપવામાં આવી રહી છે. આજે આ આરોગ્ય કેન્દ્રમાં થાક, શરીરમાં દુખાવો, શરદી-તાવ સહિતની વિવિધ તકલીફો ધરાવતા અંદાજિત ૬૦૦ જેટલા ભાવિકોને સ્થળ પર જ ત્વરિત પ્રાથમિક સારવાર અને દવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ સાથે કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ સહિતની સુવિધા પણ તૈનાત રાખવામાં આવી છે.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
