<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

વિકાસના કામોથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાય છેઃ ફૂટપાથ અને કુંડીઓના વીડિયો

બનાવતી કોંગ્રેસ સામે ભાયાવદર નગરપાલિકા પ્રમુખ રેખાબેન પટેલનો જડબાતોડ જવાબ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૨૮: ભાયાવદર શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યો સામે પાયાવિહોણા અને સસ્‍તા પબ્‍લિસિટી સ્‍ટંટ કરતી કોંગ્રેસ પાર્ટીને ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રેખાબેન પટેલે અત્‍યંત તીખા અને સ્‍પષ્ટ શબ્‍દોમાં આડેહાથ લીધી છે. પ્રમુખશ્રીએ કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવી દેતા જણાવ્‍યું છે કે જનહિત અને વિકાસનો હવે તેમની પાસે કોઈ મુદ્દો જ બચ્‍યો નથી.

પ્રેસ નોટમાં આકરા પ્રહારો કરતા પ્રમુખશ્રીએ જણાવ્‍યું છે કે, જ્‍યાં ફૂટપાથનું કામ હજુ અધૂરું હોય કે કુંડી મૂકવાની બાકી હોય, ત્‍યાં દોડી જઈને વીડિયો બનાવવાની છીછરી રાજનીતિ કોંગ્રેસે શરૂ કરી છે. નગરપાલિકામાં બિલ કઈ રીતે બને, કામ કઈ રીતે મંજૂર થાય અને ટેન્‍ડર પ્રક્રિયાની કોઈ જ સમજ કે બેઝિક નોલેજ વગર કોંગ્રેસીઓ માત્ર મફતની ફાકા ફોજદારી કરવા સિવાય કશું જ કરી શકતા નથી.

ભાજપના જવાબદાર અને લોક?યિ હોદ્દેદારો પર કટકા-બટકા જેવા નિમ્‍ન કક્ષાના આક્ષેપો કરતી કોંગ્રેસને ચેતવણી આપતા રેખાબેન પટેલે કહ્યું કે, પોતે શું છે અને ભૂતકાળમાં શું કરી ચૂકયા છે, એ જો અમે જાહેરમાં બોલવાનું શરૂ કરીશું તો તમારાથી એ સહન નહીં થાય! જો કોંગ્રેસીઓમાં ખરેખર કોઈ ટેલેન્‍ટ કે દમ હોય, તો હવામાં ગોળીબાર કરવાના બદલે ભ્રષ્ટાચારનો સીધો કેશ કરો અને કાયદાકીય રીતે સાબિત કરીને બતાવો.

વધુમાં પ્રમુખશ્રીએ ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્‍યું હતું કે, તમારા શાસનકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારના કાળા ચિઠ્ઠા અને પુરાવાઓ અમારી પાસે અસલ હાલતમાં પડ્‍યા છે.

પરંતુ, તેમાં ઘરની બેન-દીકરીઓને વચ્‍ચે લાવીને હેરાન કરવી પડે તેમ હોવાથી, અમે એ હલકી કક્ષાએ ઉતરવા માગતા નથી કારણ કે ભાજપના સંસ્‍કાર અમને એવી નીચી રાજનીતિ કરવાની પરવાનગી આપતા નથી. અમારે એ સ્‍તરે જવું પણ નથી.

આજે કોંગ્રેસના પેટમાં જે બળતરા થઈ રહી છે, તે જ તેમને આ બધું બોલવા મજબૂર કરી રહી છે તેમ જણાવીને અંતમાં પ્રમુખશ્રીએ સ્‍પષ્ટ શબ્‍દોમાં ટકોર કરી છે કે, તમે તમારું કામ કરો, અમને ભાયાવદરના વિકાસનું અમારું કામ કરવા દો!

(11:38 AM IST)