<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

ભુજમાં “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” થીમ આધારિત “વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ” સફળતાપૂર્વક સંપન્ન

માય ભારતના ઉપક્રમે યોજાયેલી જિલ્લા કક્ષાની યુથ પાર્લામેન્ટમાં મોટી સંખ્યામાં યુવાનો સહભાગી બન્યા; ચૂંટણી સુધારા, સુશાસન અને રાષ્ટ્રના વિકાસ અંગે સંસદીય શૈલીમાં વિચારવિમર્શ કર્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૪ : માય ભારત અંતર્ગત ભુજ જિલ્લામાં “વિકસિત ભારત”ના વિઝન અને ખાસ કરીને “એક રાષ્ટ્ર, એક ચૂંટણી”ના મુખ્ય વિષય પર જિલ્લા કક્ષાની યુથ પાર્લામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં યુવાનો, વિદ્યાર્થી નેતાઓ અને અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં દેશના વિકાસ અને ચૂંટણી સુધારાઓ અંગે ગહન વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન માય ભારતના જિલ્લા યુવા અધિકારી અમિત શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ઉપસ્થિત મહેમાનો અને યુવાનોનું સ્વાગત કરી વર્ષ 2047 સુધીમાં દેશને ‘વિકસિત ભારત’ બનાવવામાં યુવા નેતૃત્વની ભૂમિકા તેમજ “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” જેવા નિર્ણાયક સુધારાઓ અંગે યુવાનોમાં જાગૃતિ લાવવાના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશ ખંડોરએ સંભાળ્યું હતું. અધ્યક્ષીય પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું કે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’થી દેશના નાણાકીય અને વહીવટી સંસાધનોની બચત થઈ શકે છે તેમજ વિકાસની ગતિને વેગ મળી શકે છે. તેમણે યુવાનોને રાષ્ટ્રનિર્માણની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા અને લોકશાહી મૂલ્યોને વધુ મજબૂત બનાવવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે ભુજ જિલ્લા યુવા વિકાસ અધિકારી દિવ્યાંશી ગઢવી, અશરફ નથવાણી તેમજ દાનવીરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના માર્ગદર્શન અને પ્રેરણાદાયી વિચારો દ્વારા યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. યુથ પાર્લામેન્ટ દરમિયાન જિલ્લાના યુવા સ્પર્ધકોએ સંસદીય શૈલીમાં “એક રાષ્ટ્ર, એક ચૂંટણી”ના ફાયદા, દેશના આર્થિક વિકાસ પર તેની અસર, સુશાસન અને યુવા સશક્તિકરણ જેવા વિવિધ વિષયો પર તર્કબદ્ધ અને પ્રભાવશાળી વિચારો રજૂ કર્યા હતા. યુવાનોની વૈચારિક પરિપક્વતા, નેતૃત્વ ક્ષમતા અને રાષ્ટ્ર પ્રત્યેની સમર્પણ ભાવનાને ઉપસ્થિત મહેમાનોએ બિરદાવી હતી.

કાર્યક્રમના અંતે આભારવિધિ કરવામાં આવી હતી. તમામ સહભાગીઓએ વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું સક્રિય યોગદાન આપવાનો ઉત્સાહપૂર્વક સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

(9:18 AM IST)