<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

દેવભૂમિ દ્વારકા LCBની કાર્યવાહી: કલ્યાણપુરના ગોજીનેશ પાટીયા પાસે બંધ હોટલમાંથી 3000 લીટર ગેરકાયદે ડીઝલનો જથ્થો ઝડપાયો

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય અને SP જયરાજસિંહ વાળાની સૂચનાથી કાર્યવાહી, રૂ. 3.20 લાખનો મુદ્દામાલ જપ્ત; જીવાભાઈ કછોટ નામનો શખ્સ ઝડપાયો

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૩ : દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી.એ મોટી સફળતા મેળવી છે. કલ્યાણપુર તાલુકાના ગોજીનેશ પાટીયા પાસે દ્વારકા-પોરબંદર હાઈ-વે રોડ પર આવેલી બંધ હાલતની હોટલમાં ચાલતા ગેરકાયદે ડીઝલના કારોબારનો પર્દાફાશ કરાયો છે. LCB ટીમે અહીંથી 3000 લીટર ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે અને કુલ રૂ. 3,20,000 ના મુદ્દામાલ સાથે એક આરોપીને દબોચી લીધો છે. આ મામલે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

 

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળાએ હાલની વૈશ્વિક તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાને લઈ ડીઝલ, પેટ્રોલનો ગેરકાયદે સંગ્રહ, વહન અને વેચાણ કરતા ઈસમો ઉપર વોચ રાખવા ખાસ સૂચના આપી હતી. આ સૂચના અંતર્ગત LCB ઇન્ચાર્જ PI શ્રી એન.એચ.જોષીની રાહબરી હેઠળ ટીમ ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સિસથી કામગીરી કરી રહી હતી.

 

દરમિયાન ASI મસરીભાઈ ભારવાડીયા, જેશલસિંહ જાડેજા, HC લાખાભાઈ પીંડારીયા, પ્રવિણભાઈ માડમને ચોક્કસ બાતમી મળી કે ગોજીનેશ પાટીયા પાસેની બંધ હોટલમાં અમુક ઈસમો નિયમો વિરુદ્ધ ડીઝલનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરી રહ્યા છે. બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષકશ્રી મિત રૂદલાલની ઉપસ્થિતિમાં LCB ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.

 

દરોડા દરમિયાન સ્થળ પરથી 3000 લીટર ડીઝલ કિંમત રૂ. 2,70,000, એસેમ્બલ ડીઝલ પંપ કિંમત રૂ. 30,000, જનરેટર કિંમત રૂ. 10,000 અને મોબાઈલ ફોન નંગ-2 કિંમત રૂ. 10,000 મળી કુલ રૂ. 3,20,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. સ્થળ પરથી જીવાભાઈ મુળાભાઈ કછોટ, રહે. ખાંભાગીર ગામ, તા. સુત્રાપાડા, જી. ગીરસોમનાથ વાળાને ઝડપી લેવાયો હતો.

 

આ સમગ્ર સફળ કાર્યવાહી DySP મિત રૂદલાલ તથા LCB PI એન.એચ.જોષીના માર્ગદર્શન હેઠળ ASI મસરીભાઈ ભારવાડીયા, દિનેશભાઈ માડમ, જેશલસિંહ જાડેજા, HC લાખાભાઈ પીંડારીયા, પ્રવિણભાઈ માડમ, ડ્રા. HC હસમુખભાઈ કટારા અને જાડેજા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

(3:11 PM IST)