તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
દેવભૂમિ દ્વારકા એસીબીના પીઆઈ એસ.આઈ. મંધરાની સફળ ટ્રેપ : ખંભાળિયાના વેહિકલ ટેસ્ટીંગ સેન્ટરમાં ટ્રક ફિટનેસ પેટે લાંચ લેતા ખીમાભાઈ ધારાણી અને કુલદિપસિંહ વાઢેર ૨૧૨૦ રૂપિયાની રકમ સાથે ઝડપાયા
અધિકૃત ફી ઉપરાંત ગેરકાયદેસર નાણાં માગતા જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એસીબીએ ગોઠવ્યું છટકું : લાઈન ઓપરેટર અને ચેકિંગ વર્કરે એકબીજાની મદદગારીથી રૂ. ૩૫૦૦ સ્વીકારતા જ ટીમે બંનેને રંગેહાથ પકડી પાડ્યા

કૌશલ સવજાણી દ્વારા, જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા ખાતે આવેલા એમ.જે. એન્ટરપ્રાઇઝ ઓટોમેટેડ વ્હીકલ ટેસ્ટીંગ સેન્ટરમાં ટ્રકના ફિટનેસ (પાસિંગ) સર્ટીફિકેટ માટે સરકારી ફી ઉપરાંત ગેરકાયદેસર રીતે લાંચ માગવાના પ્રકરણમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (એસીબી)એ સફળ ટ્રેપ યોજીને બે ખાનગી વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે.
ઘટનાની ટૂંક વિગત મુજબ, આ કામના ફરિયાદી નાગરિક પોતાના ટ્રકનું ફિટનેસ સર્ટીફિકેટ કઢાવવા માગતા હતા. તે સમયે એમ.જે. એન્ટરપ્રાઇઝ ફિટનેસ સેન્ટર ખાતે મેન્યુઅલી ગાડી ચેકિંગ વર્ક કરતા સંજયનગર, ખંભાળિયા ખાતે રહેતા ૩૩ વર્ષીય આક્ષેપિત ખીમાભાઈ રાયસુરભાઈ ધારાણીએ ટ્રક ફિટનેસ માટે નિયત સરકારી ફી ઉપરાંત ૨૦૦૦ રૂપિયાની વધારાની લાંચની માગણી કરી હતી. ત્યારબાદ ફરિયાદી જ્યારે ટ્રકનું ફિટનેસ કરાવવા ગયા ત્યારે સરકારી ફી સહિત કુલ ૩૫૦૦ રૂપિયા આપવા માટે જણાવવામાં આવ્યું હતું.
જોકે, ફરિયાદી સરકારી ફી સિવાયની વધારાની લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેમણે તુરંત એસીબીનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે દેવભૂમિ દ્વારકા એસીબી પોલીસ સ્ટેશનના ટ્રેપિંગ અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આઈ. મંધરા તથા જામનગર એસીબી સ્ટાફ દ્વારા જામ ખંભાળિયા ખાતે આવેલા એમ.જે. એન્ટરપ્રાઇઝ ઓટોમેટેડ વ્હીકલ ટેસ્ટીંગ સેન્ટર પર લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટ્રેપ દરમિયાન આક્ષેપિત ખીમાભાઈ ધારાણીએ સરકારી ફી સહિતની કુલ ૩૫૦૦ રૂપિયાની રકમ ત્યાં જ લાઈન ઓપરેટર તરીકે ફરજ બજાવતા અને સોડસલા ગામના વાઢેરવાસમાં રહેતા ૧૯ વર્ષીય કુલદિપસિંહ મહિપતસિંહ વાઢેરને આપી દેવા જણાવ્યું હતું. આથી કુલદિપસિંહ વાઢેરે નિયત ફીના ૧૩૮૦ રૂપિયા તથા લાંચની રકમ ૨૧૨૦ રૂપિયા મળી કુલ ૩૫૦૦ રૂપિયા ફરિયાદી પાસેથી સ્વીકાર્યા હતા.
લાંચની રકમનો સ્વીકાર થતાં જ સ્થળ પર તૈનાત એસીબીની ટીમે દરોડો પાડીને લાંચની ૨૧૨૦ રૂપિયાની રકમ તુરંત રિકવર કરી લીધી હતી. આ કૌભાંડમાં ખીમાભાઈ ધારાણી અને કુલદિપસિંહ વાઢેર બંનેએ એકબીજાની મદદગારી કરી ગુનો આચર્યો હોય, એસીબી પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
