News of Sunday, 2nd August 2026
સુરેન્દ્રનગરમાં વરસાદના ખમૈયા છતાં લીંબડીમાં નાળા પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ઠપ
જાંબુ અને રામરાજપર ગામ વચ્ચેનો મહત્વપૂર્ણ વાહન-વ્યવહાર ખોરવાયોઃ ભારે હાલાકી

સુરેન્દ્રનગર: જિલ્લાના લીંબડી તાલુકામાંથી સમસ્યા સામે આવી છે, જ્યાં વરસાદ રોકાયા પછી પણ રસ્તાઓ હજુ સુધી પૂર્વવત થયા નથી. જાંબુ અને રામરાજપર ગામ વચ્ચેનો મહત્વપૂર્ણ વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. લાંબા સમયથી વરસાદ બંધ હોવા છતાં ગ્રામજનોની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી અને તેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
રામરાજપરથી જાંબુ અને પરનાળા સહિતના આસપાસના ગામોને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા નાળા ઉપર પાણી ફરી વળ્યા છે. છેલ્લા 15 કલાક કરતા પણ વધુ સમયથી આ મુખ્ય માર્ગ બંધ રહેવાને કારણે સ્થાનિક નાગરિકોની અવરજવર બંઘ થઈ ગઈ છે. રસ્તો બંધ હોવાથી રોજિંદા કામકાજ માટે આવતા-જતા લોકોને ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.
પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે ગ્રામજનો મજબૂર થઈને પોતાના જીવના જોખમે આ માર્ગ પાર કરી રહ્યા છે. સ્થાનિક લોકોની મદદથી ટ્રેક્ટર મારફતે લોકોને એક ગામથી બીજા ગામ તરફ સુરક્ષિત રીતે લઈ જવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા પ્રબળ માંગ કરવામાં આવી રહી છે.
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
