<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

સેટેલાઈટ વગરની 'દેશી વેધશાળા': પ્રાણી-પક્ષી અને વનસ્પતિની કોઠાસૂઝથી વડવાઓ લગાવતા હતા ચોમાસાનું ચોક્કસ અનુમાન

ટીટોડીના ઈંડાથી લઈને મોરના ટહુકા, ખીજડાની કૂંપળોથી લઈને રોહિણી નક્ષત્ર સુધી - પ્રકૃતિના સંકેતોમાં છુપાયેલું જીવિજ્ઞાન અને હવામાન વિજ્ઞાન

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૧૯ : આધુનિક યુગમાં આજે આપણી પાસે સેટેલાઇટ, રડાર અને હવામાન વિભાગની અદ્યતન ટેકનોલોજી છે. પરંતુ જ્યારે આ સાધનો નહોતા ત્યારે ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિમાં ચોમાસાના આગમન અને તીવ્રતાનો અંદાજ લગાવવા માટે વડવાઓ પાસે એક અદભુત 'કુદરતી વેધશાળા' હતી. વર્ષોના અવલોકન અને અનુભવના આધારે વનસ્પતિ, પશુ-પક્ષીઓની ચેષ્ટાઓ અને વાતાવરણના બદલાવને સમજીને જે અંદાજો લગાવાતા, તે આજે પણ એટલા જ સચોટ સાબિત થાય છે.

 

 

 

 પ્રાણી જગત: પશુ-પક્ષીઓ અને જીવજંતુઓની ચેષ્ટા

 

 

 

પશુ-પક્ષીઓ અને જીવજંતુઓ મનુષ્ય કરતાં હવામાં થતા દબાણ અને ભેજના ફેરફારને વહેલા પારખી શકે છે.

 

 

 

ટીટોડીના ઇંડાનું સ્થાન

 

 

 

ટીટોડી ખુલ્લી જમીન પર ઇંડા મૂકે છે. જો તે ઊંચા ભાગ, પથ્થર કે પાળા પર ઇંડા મૂકે, તો તે ભારે વરસાદ-પૂરની શક્યતા સૂચવે છે. નીચાણમાં ઇંડા મૂકે તો ઓછો વરસાદ માની શકાય. ચાર ઇંડાના સ્તર પરથી કયા મહિનામાં વધુ વરસાદ થશે તેનો અંદાજ પણ લગાવાય છે.

 

 

 

 

કાબર-ચકલીનું ધૂળ/પાણીમાં નાહવું

 

 

 

 કાબરો કે ચકલીઓ ધૂળમાં આળોટવા લાગે અથવા પાણીમાં વારંવાર નાહવા-પાંખો ફફડાવે, તો હવામાં ભેજનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. આ ગણતરીના દિવસોમાં વરસાદ તૂટી પડવાનો પાકો સંકેત છે.

 

 

 

મોરનો ટહૂકો અને કળા

 

 

 

 અષાઢની શરૂઆતમાં મોર વાદળો જોઈને કળા કરે છે અને અવાજમાં તીવ્રતા આવે છે, જે ચોમાસાની સવારી તદ્દન નજીક હોવાનું દર્શાવે છે.

 

 

 

ખીસકોલી-દેડકાનો અવાજ

 

 

 વરસાદ પહેલાં ખીસકોલીઓ ઝાડ પર દોડાદોડ કરી તીણો અવાજ કરે છે. સુષુપ્ત દેડકા ભેજ વર્તાતા જ 'ડ્રાંઉ-ડ્રાંઉ' કરવા લાગે છે.

 

 

 

કીડી-મંકોડાનું સ્થળાંતર

 

 

 

કીડીઓ-મંકોડા ઈંડા લઈને ઊંચા-સલામત સ્થળે જતા દેખાય, તો 24થી 48 કલાકમાં ભારે વરસાદની અચૂક નિશાની છે.

 

ખેતરમાં પાંખાળી ઉધઈ

 

 

 

 

ચોમાસાના આગમન પહેલાં જમીનમાંથી પાંખવાળી ઉધઈ મોટી સંખ્યામાં બહાર નીકળી આકાશ તરફ ઉડે છે.

 

 

 

વનસ્પતિ જગત: ઝાડ-પાનમાં આવતા કુદરતી બદલાવ

 

 

 

 

  

વનસ્પતિ જમીન અને હવાના સૂક્ષ્મ ફેરફારો પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે.

 

 

 

 

ખીજડા-બાવળની કૂંપળો

 

 

 

ખીજડા પર કુમળી કૂંપળો ફૂટવી અને બાવળ પર પીળાશ પડતા વાસીડા ફૂલ બેસવા તે ચોમાસું બેસવાના એંધાણ છે.

 

 

 

પીપળાના રાતા પાન

 

 

 

 પીપળા પર નવા લાલ પાન આવવા લાગે, ત્યારે તે ઋતુ પરિવર્તન અને વર્ષાઋતુના આગમનની સૂચના છે.

 

 

 

 

ખાખરાના કેસરી ફૂલ

 

 

 ઉનાળાની વિદાયે ખાખરા 'જંગલની જ્વાળા' જેવા કેસરી ફૂલોથી લચી પડે, તો આગામી ચોમાસું જોરદાર રહેશે તેની ગેરંટી ગણાય છે.

 

 

 

 

આંબા-લીંબોળી

 

 

 જે વર્ષે આંબા પર ભરપૂર મોર અને કેરી પાકે, લીમડા પર પુષ્કળ લીંબોળી પાકીને ખરે, તે વર્ષ 'સુકાળુ' એટલે કે બહુ સારા વરસાદવાળું નીવડે છે.

 

 

 

 

 હવામાન અને ભૌતિક બદલાવ

 

 

 

 

પવનની દિશા

 

 

જેઠમાં પશ્ચિમનો પવન સત ફૂંકાય તો દરિયાના ભેજવાળા વાદળો આવી રહ્યા છે અને ચોમાસું સમયસર બેસશે. વાયરો વારંવાર ફરે તો વરસાદ પાછો ઠેલાય છે.

 

 

 

 

અસહ્ય બફારો

 

 

 

વરસાદના 2-3 દિવસ પહેલાં પવન શાંત થઈ જાય અને પરસેવો ન સુકાય - આ "ચોમાસાનો ગરમ બફારો" છે.

 

 

 

વાદળાં-વીજળી

 

 

 નૈઋત્ય દિશામાંથી કાજળ જેવા કાળા નીચા વાદળો અને ઉત્તર-પૂર્વમાં વીજળીના ઝબકારા થાય, તો મેઘરાજા ધોધમાર તૂટી પડે છે.

 

 

 

રોહિણી નક્ષત્ર

 

 

 

 કહેવત છે - "રોહિણી તપે તો મૃગશીર્ષ ગાવે અને આદ્રા વહાવે". જેઠમાં રોહિણી તપે તો પછીના નક્ષત્રોમાં મેઘરાજા મન મૂકીને વરસે છે.

 

 

 

વિજ્ઞાન શું કહે છે?

 

 

 

આ તમામ માન્યતાઓ માત્ર અંધશ્રદ્ધા નથી. હવામાં ભેજ વધવાથી લોખંડ કાટ પકડે, મીઠું ભેજવાળું થાય. પક્ષીઓની પાંખો ભેજથી ભારે થઈ જાય, જેથી તેઓ ધૂળમાં આળોટે. ગરમી વધવાથી હવાનું દબાણ ઘટે, જે દરિયાના ભેજવાળા પવનોને ખેંચે છે.

આમ, સેટેલાઈટ વગરની આ 'દેશી વેધશાળા' એ ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિની પ્રકૃતિ સાથેની એકરૂપતા અને અદભુત કોઠાસૂઝનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

(9:26 AM IST)