<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

અમરેલીમાં કાલે ‘લોકશાહીનું બેસણું’ યોજાશે: ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણી રહેશે ઉપસ્થિત, મતાધિકાર આંદોલનનો સવાલ : શું 2031માં મતનું મૂલ્ય થઈ જશે શૂન્ય ?

‘ખોટા કરતા નોટા સારો’ના નારા સાથે તા.20-04-2026ના રોજ શિવાજી ચોક, જેસીંગપરા ખાતે સાંજે 8:00 કલાકે કાર્યક્રમ: પિડીત પ્રજાને આશ્વાસન આપવા જાગૃત નાગરિકોને ઉપસ્થિત રહેવા આહ્વાન

અમરેલી : ગ્રામ સ્વરાજના સપના રોળાતા હોવાનો આક્ષેપ કરતા ‘મતાધિકાર આંદોલન’ દ્વારા અમરેલી ખાતે ‘લોકશાહીનું બેસણું’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષ નેતા પરેશભાઈ ધાનાણી ખાસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ તા.20-04-2026, સોમવારના રોજ સાંજે 8:00 કલાકે શિવાજી ચોક, જેસીંગપરા, અમરેલી ખાતે યોજાશે. આયોજકો દ્વારા ‘ખોટા કરતા નોટા સારો’ના નારા સાથે જાગૃત પ્રજાજનોને ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવી છે.

આંદોલન દ્વારા જાહેર કરાયેલા પોસ્ટરમાં જણાવાયું છે કે વર્ષ 2021માં 241 બિનહરીફ અને 2026માં 731 બિનહરીફ ઉમેદવારો ચૂંટાયા હતા. આ આંકડા ટાંકીને સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે ‘શું 2031માં મતનું મૂલ્ય થઈ જશે શૂન્ય?’ પોસ્ટરમાં મતાધિકાર, સંવિધાન, સ્વાભિમાન અને પ્રશ્નાધિકારને ફાંસીના ફંદા સ્વરૂપે દર્શાવી લોકશાહી પરનું જોખમ ઉજાગર કરાયું છે. સાથે જ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, શિક્ષણ, આરોગ્ય, ખેડૂતોની સમસ્યા જેવા મુદ્દાઓને પણ વાચા આપવામાં આવી છે.

આયોજકોના જણાવ્યા મુજબ સત્તાના અંધકારમાં ઓગળી ગયેલા ઉમેદવારોથી પિડીત પ્રજાને આશ્વાસન આપવા માટે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. પોસ્ટરમાં ‘ખબરદાર, હું છું અહંકાર’ અને ‘ખોટા કરતા નોટા સારો’ જેવા સૂત્રો સાથે પ્રજાને જાગૃત થવા આહ્વાન કરાયું છે. પૂર્વ વિરોધ પક્ષ નેતા પરેશભાઈ ધાનાણીની ઉપસ્થિતિમાં યોજાનારા આ ‘બેસણા’માં લોકશાહીના પાયારૂપ ગ્રામ સ્વરાજના સપના રોળાતા હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવશે.

(7:11 PM IST)