<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

અમરેલીમાં રાત્રે ‘લોકશાહીનું બેસણું': પરેશ ધાનાણીની ઉપસ્‍થિતીમાં યોજાશેઃ શું ૨૦૩૧માં મતનું મૂલ્‍ય થઈ જશે શૂન્‍ય?

‘ખોટા કરતા નોટા સારો'ના નારા સાથે તા.૨૦-૦૪-૨૦૨૬ના રોજ શિવાજી ચોક, જેસીંગપરા ખાતે રાત્રે ૮:૦૦ કલાકે કાર્યક્રમઃ પિડીત પ્રજાને આશ્વાસન આપવા જાગળત નાગરિકોને ઉપસ્‍થિત રહેવા આહ્વાન

અમરેલી, તા.૨૦: ગ્રામ સ્‍વરાજના સપના રોળાતા હોવાનો આક્ષેપ કરતા ‘મતાધિકાર આંદોલન' દ્વારા અમરેલી ખાતે ‘લોકશાહીનું બેસણું' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષ નેતા પરેશભાઈ ધાનાણી ખાસ ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમ તા.૨૦-૦૪-૨૦૨૬, સોમવારના રોજ સાંજે ૮:૦૦ કલાકે શિવાજી ચોક, જેસીંગપરા, અમરેલી ખાતે યોજાશે. આયોજકો દ્વારા ‘ખોટા કરતા નોટા સારો'ના નારા સાથે જાગળત પ્રજાજનોને ઉપસ્‍થિત રહેવા વિનંતી કરવામાં આવી છે.

આંદોલન દ્વારા જાહેર કરાયેલા પોસ્‍ટરમાં જણાવાયું છે કે વર્ષ ૨૦૨૧માં ૨૪૧ બિનહરીફ અને ૨૦૨૬માં ૭૩૧ બિનહરીફ ઉમેદવારો ચૂંટાયા હતા. આ આંકડા ટાંકીને સવાલ ઉઠાવવામાં આવ્‍યો છે કે ‘શું ૨૦૩૧માં મતનું મૂલ્‍ય થઈ જશે શૂન્‍ય?' પોસ્‍ટરમાં મતાધિકાર, સંવિધાન, સ્‍વાભિમાન અને પ્રશ્‍નાધિકારને ફાંસીના ફંદા સ્‍વરૂપે દર્શાવી લોકશાહી પરનું જોખમ ઉજાગર કરાયું છે. સાથે જ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, શિક્ષણ, આરોગ્‍ય, ખેડૂતોની સમસ્‍યા જેવા મુદ્દાઓને પણ વાચા આપવામાં આવી છે.

આયોજકોના જણાવ્‍યા મુજબ સત્તાના અંધકારમાં ઓગળી ગયેલા ઉમેદવારોથી પિડીત પ્રજાને આશ્વાસન આપવા માટે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. પોસ્‍ટરમાં ‘ખબરદાર, હું છું અહંકાર' અને ‘ખોટા કરતા નોટા સારો' જેવા સૂત્રો સાથે પ્રજાને જાગળત થવા આહ્વાન કરાયું છે. પૂર્વ વિરોધ પક્ષ નેતા પરેશભાઈ ધાનાણીની ઉપસ્‍થિતિમાં યોજાનારા આ ‘બેસણા'માં લોકશાહીના પાયારૂપ ગ્રામ સ્‍વરાજના સપના રોળાતા હોવાની લાગણી વ્‍યક્‍ત કરવામાં આવશે.

(1:21 PM IST)