<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

અમરેલીમાં રવિવારે લોકશાહીનું મહાપર્વ: જિલ્લા પંચાયતની ૩૪, તાલુકા પંચાયતની ૧૮૬ અને ૬ નગરપાલિકાની ૧૭૪ બેઠકો માટે થશે મતદાન

કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સ યોજી વધુમાં વધુ મતદાન કરવા કરી અપીલ: ૬,૨૮૪ ચૂંટણી કર્મચારી અને ૨,૬૭૨ પોલીસ જવાનો બજાવશે ફરજ

અમરેલી, તા.૨૪ : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ અમરેલી જિલ્લામાં જિલ્લા પંચાયત, તમામ ૧૧ તાલુકા પંચાયત તથા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ઘારી, બાબરા, દામનગર એમ કુલ ૬ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આગામી તા. ૨૬ એપ્રિલ ૨૦૨૬, રવિવારના રોજ સવારના ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે. મતગણતરી તા. ૨૮ એપ્રિલના રોજ સવારે ૯ વાગ્યાથી હાથ ધરાશે. આ અંગે માહિતી આપવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને જિલ્લાના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લઈ મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

 

કલેક્ટર ભારદ્વાજે જણાવ્યું કે ૧૧ તાલુકા પંચાયતની ૧૯૦ બેઠકોમાંથી ૪ બેઠક બિનહરીફ થતા ૧૮૬ બેઠકો પર ૫૫૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જિલ્લા પંચાયતની તમામ ૩૪ બેઠકો પર ૧૦૩ ઉમેદવારો મેદાનમાં છે. ઘારી નગરપાલિકામાં વોર્ડ નં. ૩ સંપૂર્ણ બિનહરીફ છે, જ્યારે બાકીની ૬ નગરપાલિકાની ૧૭૪ બેઠકો માટે કુલ ૪૬૧ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

 

ચૂંટણી વ્યવસ્થા અંગે તેમણે માહિતી આપી કે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ૫,૨૦૧ પ્રિસાઇડીંગ-પોલીંગ ઓફિસર અને ૨,૨૫૭ પોલીસ સ્ટાફ, જ્યારે નગરપાલિકાઓ માટે ૧,૦૮૩ કર્મચારી અને ૪૧૫ પોલીસ જવાનો સહિત કુલ ૬,૨૮૪ કર્મચારી અને ૨,૬૭૨ પોલીસ સ્ટાફ ફરજ બજાવશે.

 

મતદારોની સંખ્યા જણાવતા તેમણે કહ્યું કે જિલ્લા પંચાયતની ૩૪ બેઠકોમાં કુલ ૮,૬૪,૮૮૦, તાલુકા પંચાયતની ૧૮૬ બેઠકોમાં ૮,૪૮,૬૧૨ અને ૬ નગરપાલિકાની ૧૭૪ બેઠકો માટે ૨,૦૭,૮૮૧ મતદારો નોંધાયા છે. મતદાન માટે ૧૦ ટકા રીઝર્વ સહિત જિલ્લા પંચાયત માટે ૧,૩૨૦ બીયુ અને ૧,૩૨૦ સીયુ, તાલુકા પંચાયત માટે ૧,૩૨૦ બીયુ-સીયુ અને નગરપાલિકા માટે ૩૪૦ બીયુ-સીયુ ઈવીએમ મશીનની વ્યવસ્થા કરાઈ છે.

 

મતદાનના દિવસે ગરમીને ધ્યાને લઈ મતદાન ટુકડીઓને ORS અને પ્રાથમિક સારવારની કિટ અપાશે. આકસ્મિક સંજોગો માટે નજીકના હેલ્થ સેન્ટર ખાતે એમ્બ્યુલન્સ પણ તૈનાત રહેશે. ચૂંટણી વિસ્તારના સરકારી, ખાનગી, સહકારી, ઔદ્યોગિક એકમો, દુકાનો, હોટલ, હોસ્પિટલના કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે તા. ૨૬ એપ્રિલે સવેતન રજા અથવા મતદાન માટે છૂટ આપવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

 

મતદાનના આંકડા અને પરિણામ રાજ્ય ચૂંટણી આયોગના પોર્ટલ https://sec-poll.gujarat.gov.in પર ઉપલબ્ધ થશે. 

 

પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો તથા પોલીસ બંદોબસ્તની માહિતી આપી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર દિલિપસિંહ ગોહિલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી કે.જે. જાડેજા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દેસાઈ સહિત અધિકારીઓ અને મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:50 PM IST)