<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

ગણેશજીની મુર્તિ સાથે વાંકાનેરમાં રજુઆત કરનાર ભાટી એન સામે કાર્યવાહીની માંગ

પૂતળા દહન, ચક્કાજામ, વાંકાનેર બંધની હિન્‍દુ સમાજની ચેતવણી

 

 

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૧૭: વાંકાનેરમાં રસ્‍તાની ખરાબ સ્‍થિતિના વિરોધ દરમિયાન ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિને ગંદા પાણીમાં લઈ જઈને ભાટી એન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યું હોવાના મામલે હિન્‍દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાની નિષ્‍પક્ષ તપાસ કરી જવાબદાર વ્‍યક્‍તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે સમસ્‍ત હિન્‍દુ સમાજ, વાંકાનેર દ્વારા પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું છે.

હિન્‍દુ સમાજ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે રસ્‍તાની સમસ્‍યા અંગે વિરોધ કરવાનો દરેક નાગરિકને લોકશાહી અધિકાર છે, પરંતુ વિરોધના નામે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિને રસ્‍તા પર ભરાયેલા ગંદા તથા ગટર જેવા પાણીમાં લઈ જવી અને મૂર્તિ સાથે તે પાણીમાં બેસીને વિરોધ કરવો, તેમજ ત્‍યાં શ્રીફળ વધેરવું, ધાર્મિક આસ્‍થાની દૃષ્ટિએ અત્‍યંત ગંભીર બાબત છે.

આવેદનપત્રમાં વાયરલ વીડિયો તથા તેની મૂળ ફૂટેજની તપાસ, વીડિયોમાં દર્શાવાયેલા વ્‍યક્‍તિઓની ઓળખ, સમગ્ર ઘટનાના હેતુ અને સંભવિત આશયની તપાસ તેમજ સંબંધિત સોશિયલ મીડિયા પોસ્‍ટ અને ડિજિટલ પુરાવાઓનું સંરક્ષણ કરવાની માંગ કરવામાં આવી છે.

સાથે જ તપાસમાં જો જાણપૂર્વક અને દુર્ભાવનાપૂર્વક ધાર્મિક લાગણી દુભાવવાનો અથવા ધાર્મિક માન્‍યતાઓનું અપમાન કરવાનો આશય જણાય તો BNS કલમ ૨૯૯, ૨૯૮ સહિત તપાસમાં લાગુ પડતી અન્‍ય કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

આગામી દિવસોમાં સમગ્ર મામલે કાયદેસરની અને સંતોષકારક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો લોકશાહી અને કાયદેસર રીતે તબક્કાવાર આંદોલન શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

આ અંતર્ગત ભાટી એન.ના પૂતળા દહન, ચક્કાજામ તથા જરૂરિયાત જણાય તો વાંકાનેર બંધનું એલાન આપવાના વિકલ્‍પ અંગે પણ હિન્‍દુ સમાજ દ્વારા ચર્ચા કરવામાં આવી રહી હોવાનું જણાવાયું છે.

આ તકે સેવાસદન ખાતે હિન્‍દુ અસ્‍મિતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવી સૌ સાધુ સંતો સહિત હિન્‍દુ સમાજના યુવાનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી એકસુરે અવાજ ઉઠાવવામાં આવ્‍યો હતો કે જો આગામી દિવસોમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન સહિતના કાર્યક્રમ સહિતની ચીમકી ઉચ્‍ચારી હતી.

રોડ પ્રશ્ન ઉઠાવતા અમુક લોકોને ન ગમ્‍યું: મે માફી પણ માંગી લીધી છેઃ ભાટી એન

રાજકોટ, તા., ૧૭: આ અંગે વાંકાનેરના પ્રસિધ્‍ધ ફોટોગ્રાફર-પત્રકાર અને સેવાભાવી  ભાટી એન. એ જણાવ્‍યું હતું કે, ર૦ વર્ષથી વાંકાનેરના આ હાર્દસમા રસ્‍તાની હાલત ખુબ જ ખરાબ હોવાથી મેં આ રોડની કામગીરી માટે પ્રશ્ન ઉઠાવ્‍યો હતો જે અમુક લોકોને નથી ગમ્‍યું. જેથી મારા વિરૂધ્‍ધ આવેદનપત્ર પાઠવાયું છે.

ભાટી એન. એ જણાવ્‍યું કે મેં ગણેશજીની મુર્તિ માન-સન્‍માન સાથે રાખી હતી. છતા પણ અમુક લોકોને અજુગતુ લાગ્‍યું હોય તો મેં સોશ્‍યલ મીડીયાના માધ્‍યમથી માફી પણ માંગી લીધી છે.

(12:06 PM IST)