તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
કોડીનારના રોણાજ ચોકડી પાસે શીખ યુવાન પર તલવાર અને ધોકા જેવા ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો: 6 આરોપીઓ સામે ગુન્હો નોંધાયો
પરિવારની આંતરિક લડાઈ હવે પોલીસ સ્ટેશનના ઉંબરે પહોંચી અને પત્નીએ પોતાના જ પીયર પક્ષ સામે કડક કાર્યવાહીની માંગ કરી

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના રોણાજ ચોકડી પાસે ધોળા દિવસે હિંસક હુમલાની ઘટના સામે આવી છે. એક શીખ યુવાન પર તલવાર અને ધોકા જેવા ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જૂના મનદુઃખમાં થયેલા આ હુમલા અંગે પોલીસે 6 આરોપીઓ સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. કોડીનારના રોણાજ ચોકડી પાસે જ્યારે શીખ યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક હુમલાખોરોએ તેના પર હુમલો કર્યો હતો. હુમલાખોરો તલવાર અને ધોકા જેવા હથિયારો સાથે આવ્યા હતા અને યુવાન પર તૂટી પડ્યા હતા. સરેઆમ રસ્તા પર બનેલી આ ઘટનાને જોઈને આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોહીલુહાણ હાલતમાં યુવાનને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસ અને પીડિત પરિવારના જણાવ્યા અનુસાર, આ હુમલા પાછળ જૂનું મનદુઃખ જવાબદાર છે. પીડિત યુવાન અગાઉ ભૂંડ પકડવાના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને તે બાબતે તેને કેટલાક લોકો સાથે વિવાદ ચાલતો હતો. આ ધંધાકીય અદાવતે હવે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ જણાય છે. પોલીસે આ મામલે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી છ હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ શરૂ કરી છે. હુમલાનો ભોગ બનનાર યુવકની પત્ની દર્શનાબેન કોરે આ મામલે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, તેમના સસરા અને સાળા દ્વારા અગાઉ પણ ધમકીઓ આપવામાં આવી હતી. દર્શનાબેનનો આરોપ છે કે મનદુઃખના કારણે તેમના પિતા (સસરા) અને ભાઈ (સાળા) એ જ આ હુમલો કરાવ્યો છે. પરિવારની આંતરિક લડાઈ હવે પોલીસ સ્ટેશનના ઉંબરે પહોંચી છે અને પત્નીએ પોતાના જ પીયર પક્ષ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
કોડીનાર પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત એફઆઈઆર નોંધી છે. હુમલા પાછળ ચોક્કસ કારણ શું હતું અને આ 6 શખ્સો કોણ હતા તે જાણવા માટે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદ લેવામાં આવી રહી છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, આરોપીઓને ઝડપી પાડવા માટે ટીમો રવાના કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તમામની ધરપકડ કરવામાં આવશે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
